પાટડીના પીપળીમાં ક્રિકેટના ઝઘડાનું મનદુ:ખ રાખી પિતા-પુત્રએ મળી યુવાનને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતુ. જેમાં પિતાએ યુવાનને પકડી રાખ્યોને, પુત્રે છરીના ઘા ઝીંકી દેતા સુરેન્દ્રનગર બાદ સારવાર અર્થે રાજકોટ લઇ જવાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. બજાણા પોલીસે પીપળીના પિતા-પુત્ર વિરુદ્ધ હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા હત્યારા પિતા-પુત્રને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાટડી તાલુકાના પીપળી ગામે રહેતા સરદારખાન અને મિરઝાખાન વચ્ચે ત્રણ દિવસ પહેલા પીપળી ગામના ખારામાં ક્રિકેટ મેચ રમતા દરમિયાન બોલાચાલી થઇ હતી. જેનું મનદુ:ખ રાખી પીપળી ગામના તળાવની પાળ પાસે મિરઝાખાન અલેપખાન જતમલેકે સરદારખાનને છરીના ઘા ઝીંકી દીધા હતા. જ્યારે મિરઝાખાનના પિતા અલેપખાન હમીરખાન જતમલેકે ઘાયલ સરદારખાનને પકડી રાખતા એ લોહિલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. આથી એને તાકીદે પ્રાથમિક સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
જ્યાં ફરજ પરના હાજર તબીબે હાલત નાજૂક જણાતા સરદારખાનને વધુ સારવાર અર્થે રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એમને તાકીદે ઇમર્જન્સી વોર્ડમાં લઇ જવાતા ડોક્ટરે એમને મૃત ઘોષિત કર્યા હતા. આ બનાવ અંગે પીપળી ગામના બિસ્મિલાખાન રસુલખાન મલેકે પીપળી ગામના મિરઝાખાન અલેપખાન જતમલેક અને એના પિતા અલેપખાન હમીરજી જતમલેક વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યારા પિતા-પુત્ર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી એમને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.