ભાસ્કર એક્સક્લૂઝિવ:કે. રાજેશ સામે 10 દિવસ પહેલાં જ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદે ફોડ્યો હતો લેટરબોમ્બ, 15 પેજમાં 27 મુદ્દા ટાંકી નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલાલેખક: ​​​​​​​મનીષ પારીક
 • 11મી મેના રોજ PM મોદીને પુરાવા સાથે લેખિત રજૂઆત કરી હતી
 • પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે પત્રમાં CBI તપાસની માગ કરી હતી
 • પાટડીના પોરડાની સરકારી જમીન સત્તાનો દુરુપયોગ કરીને દૂધ ઉત્પાદક મંડળી આપ્યાનો આક્ષેપ

લાંચ અને ખોટી રીતે લાભ કરાવવા મામલે સીબીઆઇ દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે 10 દિવસ પૂર્વે 11 મેના રોજ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખીને કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો, આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે.રાજેશ વિરુદ્ધ સીબીઆઇ તપાસની માગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વખત સાંસદ અને લીંબડી અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ત્રણ વખત ધારાસભ્યપદે રહી ચૂકેલા પૂર્વ સાંસદ સોમા ગાંડાએ PM નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને પીએમઓ કાર્યાલયમાં 11મી મે 2022ના રોજ કરેલી લેખિત રજૂઆત કરી હતી. એમાં તેમણે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશ અને સુરેન્દ્રનગરના નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ઝાલા, કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર એચ.એમ.સારદિયા, નાયબ કલેક્ટર પાટડી તથા નાયબ મામલતદાર જમીન શાખા, નાયબ કલેક્ટર કચેરી પાટડી શાખાના કર્મચારીઓ, મામલતદાર, નાયબ મામલતદાર મહેસૂલ, તત્કાલીન સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી પાટડી, પાટડીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સહિત ખાનગી ઇસમો દ્વારા નાણાકીય લાભ મેળવી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પોરડાની સરવે નંબર 685 સરકારી જમીન શ્રી યુગ નિર્માણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને સરકારી જમીન સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશે તા. 3/12/2018ના ગેરકાયદે હુકમથી પધરાવી દીધી હોવાનું જણાવ્યું હતું.

કે. રાજેશ વિરુદ્ધ સુરેન્દ્રનગરના સાંસદ દ્વારા લખવામાં આવેલો પત્ર

કે. રાજેશ સામેનો કેસ શું છે અને શું કાર્યવાહી થઈ
સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશની સીબીઆઈએ ધરપકડ કરી છે. 2017થી લઈ 2021 સુધી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તરીકે કે.રાજેશે ફરજ બજાવી હતી. આ દરમિયાન હથિયાર પરવાના લાઇસન્સને લઈ અનેક વખત ચર્ચામાં રહ્યા હતા. પૂર્વ કલેકટર કે.રાજેશ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર પરવાનાઓના લાઇસન્સ બેફામ રીતે આપી દેવામાં આવ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતા. દિલ્હી ખાતે પીએમઓ અને દિલ્હી સીબીઆઇમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એને પગલે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સીબીઆઇની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં ધામા નાખી અને સર્કિટ હાઉસ ખાતે અરજદારોના નિવેદનો લીધા હતા. IAS અધિકારી અને તત્કાલીન સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ કેસમાં સહ આરોપી તરીકે ઝડપાયેલા રફીક મેમનને CBI કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી મેમણના કોર્ટે માત્ર 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બામણબોર જમીનકૌભાંડનો રેલો કે.રાજેશ સુધી પહોંચશે
લાંચ અને ભ્રષ્ટાચારના આરોપસર IAS કે. રાજેશની સીબીઆઈ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે CBIની તપાસમાં બામણબોરમાં બે હજાર કરોડની જમીનકૌભાંડનો રેલો કે. રાજેશ સુધી પહોંચશે. કાયદાનું ખોટું અર્થઘટન કરીને 800 એકર જમીનની લહાણી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ચોટીલાના જમીનકૌભાંડમાં પણ રેલો આવ્યો હતો

 • સુરેન્દ્રનગરની SBIમાંથી સુજલામ્ સુફલામ્ના નામે રૂ. 72 લાખનો ચેક આપવા બાબતે એવી રજૂઆત થઇ હતી કે ખરેખર આ ચેક કોને અપાયો છે, તેમણે શું કામ કર્યાં છે, તે સંસ્થામાં કલેક્ટરના મળતિયા કે સગા ભાગીદાર છે કે નહીં તેની ચર્ચા થઈ હતી.
 • કે. રાજેશે જિલ્લામાં અનેક લાભાર્થીઓને પ્લોટની ફાળવણી કરી હતી, જેમાં એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે કોઈ સંસ્થા સાથે મળીને લાખો રૂપિયાનો વહીવટ કરીને તેમણે લાભાર્થીઓને પ્લોટની ફાળવણી કરી છે. આ મુદ્દો પણ ખૂબ ચગ્યો હતો.
 • કે. રાજેશે સંસ્થાઓ અને જુદી જુદી મંડળીઓને સરકારી જમીનોની ફાળવણી કરી હતી. તે જમીનની ફાળવણીમાં તો વિવાદ થયા હતા, પરંતુ સાથે સાથે જંત્રી સહિતની બાબતોમાં પણ મોટા વિવાદો થયા હતા અને તેની રજૂઆતો પણ કરવામાં આવી હતી.

નેગેટિવ રિપોર્ટ હોવા છતાં હથિયારના પરવાના આપતા હતા
જિલ્લાના પૂર્વ કલેક્ટર કે. રાજેશે એપ્રિલ, 2018થી મે, 2021 સુધીનાં 3 વર્ષના કાર્યકાળ દરમિયાન હથિયારોના પરવાના આપવામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચર્યો હોવાના અનેક આક્ષેપો થયા છે. તેમણે પરવાનો માગનાર પાસેથી 4થી 5 લાખ રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપો પણ થયા છે. એટલું જ નહીં, પોલીસનો નેગેટિવ રિપોર્ટ હોવા છતાં કે. રાજેશ પરવાનો આપી દેતા હોવાની વાતો પણ જે-તે સમયે વહેતી થઈ હતી. તેમના કાર્યકાળમાં એવી ચર્ચાઓ ચાલતી હતી કે જ્યારે હથિયારનો પરવાનો લેવાનો હોય ત્યારે જે-તે વ્યક્તિને હથિયાર આપવાનું યોગ્ય છે કે નહીં એ માટે મામલતદાર અને પોલીસ ખાતાના રિપોર્ટ લેવામાં આવે છે, જેમાં ઘણા એવા અરજદારો હતા, જેમના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પૈસા લઈને હથિયારના પરવાના આપ્યા હોવાની પણ રજૂઆતો થઇ હતી.

સોમાભાઇ કોણ છે...
સોમાભાઇ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. કોળી સમાજમાંથી આવતા સોમાભાઇ ધારાસભ્ય તરીકે પણ રહી ચુક્યા છે. તેમની ઇમેજ આખા બોલા વ્યક્તિ તરીકેની છે.

 • 1982- વિરમગામ નગરપાલિકામાં ઉપપ્રમુખ
 • 1985- વિરમગામ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા
 • 1989-1991-2004 અને 2009 એમ ચાર વખત સુરેન્દ્રનગર સાંસદ તરીકે ચૂંટાયા
 • 2012 અને 2014 બે વખત લીંબડી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા
 • ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભાજપની પણ જવાબદારી નિભાવી
 • એસ.ટી.નિગમ-ગુજરાતનાં ચેરમેનપદે પણ કામગીરી કરી
 • સમસ્ત તળપદા વિદ્યાર્થી બોર્ડીંગ-સુરેન્દ્રનગરના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી
 • સમસ્ત કોળી કન્યા કેળવણી મંડળ-સુરેન્દ્રનગરના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી
 • સમાજ ભવન જૂનાગઢ ભવનાથના ટ્રસ્ટી તરીકે પણ કામગીરી કરી
 • શીવમ વિદ્યાલય, નરોડા (અમદાવાદ)ના ટ્રસ્ટી તરીકે પણ કામ કર્યું
અન્ય સમાચારો પણ છે...