વર્લ્ડ હેરીટેજ ડે:ઝાલાવાડનો ભવ્ય ઐતિહાસીક ધરોહર સમો વારસો ભૂતકાળની ગર્તામાં, ઝીંઝુવાડાના જાજરમાન દરવાજાઓ હાલમાં જર્જરિત હાલત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડનો ભવ્ય ઐતિહાસીક ધરોહર સમો વારસો ભૂતકાળની ગર્તામાં - Divya Bhaskar
ઝાલાવાડનો ભવ્ય ઐતિહાસીક ધરોહર સમો વારસો ભૂતકાળની ગર્તામાં
  • આ કિલ્લો કર્ણ સોલંકીના કુમાર સિદ્ધરાજ જયસિંહદેવે સંવત 1165 (ઇ.સ.1109)માં બાંધવાનું મુહુર્ત કર્યુ હતું

સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડાના ગામ ફરતે આવેલો જાજરમાન કિલ્લો કર્ણ સોલંકીના કુમાર સિદ્ધરાજ જયસિંહદેવે સંવત 1165 (ઇ.સ.1109)માં મહાવદી ચોથના દિવસે ગઢ બાંધવાનું મુહુર્ત કર્યુ હતુ. વધુમાં આ ઐતિહાસીક કિલ્લાની અંદર 100 વીઘામાં પથ્થરની શીલાઓથી ઓંવારા સહિત સિંહસર નામનું તળાવ અને તેની બાજુમાં ઐતિહાસીક સમરવાવ આવેલી છે. આ ઐતિહાસીક કિલ્લો કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમુનારૂપ ઝીંઝુવાડાના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. હાલમાં ઝીંઝુવાડાની ભવ્ય ઐતિહાસીક ધરોહર ભૂતકાળની ગર્તામાં ધકેલાઇ ગઇ છે.

ઝીંઝુવાડાનો આકાશમાં હવા સાથે વાત કરતો આ કિલ્લો ચારે બાજુએથી સમચોરસ છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ દિશામાં એની લંબાઇ-પહોળાઇ 800 યાર્ડ છે. થોડા સમય અગાઉ પૂરાતત્વ વિભાગ દ્વારા ભવ્ય ભૂતકાળને વાગોળતા ઐતિહાસીક વારસાને જીવંત રાખવા એનું સમારકામ હાથ ધરાયું હતુ. રણકાંઠાના ઝીંઝુવાડાના ઐતિહાસીક જાજરમાન દરવાજાઓ આજેય હવા સાથે વાતો કરતા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે.

પ્રધાનમંત્રી મોદીએ 'મન કી બાત'માં ઝીંઝુવાડા બંદરનો ઉલ્લેખ કર્યો હતો

દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ થોડા દિવસ અગાઉ 'મન કી બાત' કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસીક ઝીંઝુવાડા ગામના ભવ્ય ભૂતકાળને વાગોળતા બંદરની જાહોજલાલીની વાતો કરી હતી. ઘણા વર્ષો પહેલા ઝીંઝુવાડા એક બંદર હતુ. કચ્છના અખાતનો એક છેડો છેક ઝીંઝુવાડા સુધી જતો હતો. ઝીંઝુવાડા બંદરે વહાણ આવતા અને નાંગરતા હતા. આજે આ ભવ્ય ભૂતકાળની ગવાહી પુરતી હવા સાથે વાતો કરતી ઐતિહાસીક દિવા દાંડી નજરે પડે છે.

પાટડીમાં રાજાની યાદમાં બાપાના દેરા અને રાણીની યાદમાં તુલસીના ક્યારા આજેય ભવ્ય ભૂતકાળની ગવાહી પુરી પાડે છે, આ ઐતિહાસીક દેરાઓની આગળ કૂંવરોની યાદમાં નાની-નાની દેરીઓ બનાવેલી છે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે આવેલા ઐતિહાસીક પાટડી નગરની ભૂમીના રજકણોંમાં સૈકાઓથી પ્રેમ, શોર્ય અને ધર્મનું સુમધુર મિલન થયેલું છે. પાટડીમાં દેસાઇ વંશની રાજસત્તા દરમિયાન મૃત્યુ પામેલા દરબારોની યાદમાં ઐતિહાસીક દેરાઓ બનાવેલા છે. જ્યારે દરબારોની હયાતીમાં મૃત્યુ પામેલી રાણીઓની યાદમાં દેરાના પાછળના ભાગમાં તુલસીના ક્યારા અને કુંવરોની યાદમાં નાની-નાની દેરીઓ બનાવેલી છે.

કલાકૃતિના ઉત્કૃષ્ઠ નમૂનારૂપ આ દેરાઓમાં વપરાયેલા પથ્થર દુર્લભ અને બેનમૂન હોવાની સાથે પાટડીના ભવ્ય ભુતકાળને વાગોળે છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની સરહદોના ત્રિભેટે એક અડીખમ રક્ષણહાર તરીકે મજબુત કિલ્લેબંધીવાળા પાટડી નગરનું ઇતિહાસમાં ગૌરવવંતુ સ્થાન છે. પાટડીના ઇતિહાસની ગરીમાઓથી સદૈવ છલકાતા સ્વાતંત્ર્યપ્રેમ, શોર્ય, સંમર્પણ, સ્નેહ અને સત્કારની ઉષ્મામાં રહેલી છે. ત્યારે દેસાઇઓએ વર્ષો અગાઉ એક લાંબી અને વિકટ યાત્રા પંજાબથી શરૂ કરીને તે યાત્રાનો અંતિમ પડાવ વિરમગામથી નિકળીને પાટડીમાં કર્યો હતો.

એમની આ લાંબી અને વિકટયાત્રા સદીઓના ભંયકર સંઘર્ષની યાદ અપાવે છે. દેસાઇઓમાં સાહસ, શોર્ય, ધૈર્ય, મુત્સદીગીરી, ભક્તિ અને દાનવીરતાના ગુણોનો સંગમ રહેલો છે. તેનો સૈકાઓનો ઇતિહાસ સાક્ષી પુરે છે. ઇ.સ. 1741 સંવત 1797ના ચૈત્ર સુદ-2 શનિવારે દેસાઇ ભાવસિંહજીએ વિરમગામના માન સરોવરના સિદ્ધ પુરૂષ વિષ્ણુદત્તના આશિર્વાદ લઇ પાટડીમાં રાજગાદી સ્થાપી હતી. 200 વર્ષ સુધી પાટડીની અસ્મિતા ટકાવી રાખવામાં તેમજ તેના વિકાસમાં દેસાઇ રાજવંશનો ફાળો અતુલ્ય છે.

આ સમયગાળા દરમિયાન અવસાન પામેલા પાટડીના વિવિધ દેસાઇ સાહેબોની યાદમાં પાટડી કલાડા દરવાજા બહાર ઐતિહાસીક બાપાના દેરાઓ આવેલા છે. અને મૃત્યુ પામેલા કૂંવરોની યાદમાં આ ઐતિહાસીક દેરાઓની આગળ નાની-નાની દેરીઓ બનાવેલી છે. કલાકૃતિના ઉત્કૃષ્ટ નમુનારૂપ આ દેરાઓમાં વપરાયેલા પથ્થરો અતિદુર્લભ અને બેનમૂન છે.

આ અંગે પાટડી સ્ટેટ કર્ણીસિંહજી કિશનસિંહજી દેસાઇ જણાવે છે કે, કદાચ પાટડીના મોટાભાગના લોકોને ખબર નહીં હોય કે, અગાઉ દરબારોની હયાતીમાં મૃત્યુ પામેલા રાણીઓની યાદમાં આ ઐતિહાસીક દેરાઓની પાછળ તુલસીના ક્યારા બનાવેલા છે.

વઢવાણનો કિલ્લો અને લખતરનો ગઢ પણ ભૂતકાળની ગર્તામાં

ઝાલાવાડના ભવ્ય ભૂતકાળની ગવાહી પુરતો વઢવાણનો રાજમહેલ અને કિલ્લો તથા ઝાલાવાડના લખતરનો ઐતિહાસિક ગઢ યોગ્ય તકેદારીના અભાવે ભૂતકાળની ગર્તામાં ધકેલાઇ ગયો છે. ત્યારે સરકારના પૂરાતત્વ વિભાગ દ્વારા આ રક્ષિત સ્મારકોની યોગ્ય જાળવણી કરવામાં આવે તો આવનારી પેઢી ભવ્ય વારસાથી માહિતગાર થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...