કૌભાંડ:ઝાલાવાડ જિનિંગ પ્રેસિંગ સહકારી મંડળીના કૌભાંડનો મામલો હાઇ કોર્ટમાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 કરોડનું બેલેન્સ ધરાવતી, ફડચામાં ગયેલી મંડળીના બોગસ પુરાવા ઊભા કરી જીવંત કરી, દેદાદરામાં 9થી 10 લાખના ભાવવાળી જમીન 50 લાખના ભાવે ખરીદી

સુરેન્દ્રનગર જિલ્લામાં ચકચાર મચાવનાર ઝાલાવાડ જિનિંગ એન્ડ પ્રેસિંગ સહકારી મંડળીના કરોડો રૂપિયાના કૌભાંડમાં પોલીસને તમામ પુરાવાઓ આપવા છતાં કૌભાંડ કરનાર સામે કેસ દાખલ ન કરાતા ન્યાય માટે સભાસદોએ હાઇકોર્ટમાં અરજી કરી છે.

ઝાલાવાડ જિનિંગ એન્ડ પ્રેસિંગ સહકારી મંડળી વર્ષો પહેલા ફડચામાં જતા બંધ થઇ ગઇ હતી. પરંતુ આ મંડળી જયારે ફડચામાં ગઇ ત્યારે રૂ.9 કરોડ બેલેન્સ હતું અને 1350થી વધુ સભાસદો હતા. આ મંડળીને ફરીથી જીવંત કરીને મંડળીના નામે જમીન ખરીદ કરવામાં આવતા સભાસદો ચોકી ઉઠ્યા હતા. આથી મંડળીના સભાસદ વજુભા ગોહીલે આ મામલે રજિસ્ટારમાં અરજી કરીને એવી વિગતો જણાવી હતી કે સભાસદોને જાણ કર્યા વગર ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરીને જે લોકો અવસાન પામ્યાને તેમના નામની ખોટી સહીઓ કરીને જે મંડળીના સભાસદ પણ નથી તેવા રાયલભાઇ ગોવિંદભાઇ ચાવડાને પ્રમુખ અને રામજીભાઇ હરીભાઇ ગોહીલને કારોબારી સભ્ય બનાવી દેવામાં આવ્યા છે. પરંતુ મંડળીના નામે દેદાદરા ગામે હાલ જે જમીનના રૂ.9 થી 10 લાખ ભાવ બોલાય છે તેવી અંદાજે 6 એકર જમીન રૂ.50 લાખના ભાવે ખરીદીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાડ કરનાર મંડળીના પ્રમુખ રાયમલભાઇ ચાવડા,રામજીભાઇ ગોહીલ અને ડી.ડી.મોરી તેમજ રજિસ્ટાર સામે કેસ દાખલ કરવા માટે બી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી હતી. છતાં હજુ સુધી પોલીસે ગુના દાખલ કર્યો નથી. પોલીસ કોના દબાવથી ગુનો દાખલ નથી કરતી તે બાબતે ચર્ચાઓ વહેતી થઇ છે.પોલીસ તરફથી ન્યાય ન મળતા વજુભા ગોહિલે આ મામલો હાઇકોર્ટમાં લઇ ગયા છે.

કૌભાંડ ઢાંકવા ભાજપના નેતાઓના ધમપછાડા
અંદરખાને તો એવી પણ વાતો ચાલે છે કે ભાજપના કેટલાક નેતાઓ પણ આમા સંડોવાયેલા છે. અને મોટા માથાઓના નામ બહાર ન આવે તે માટે ભાજપના નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે.

કેસ દાખલ થતો નથી
સભાસદોએ જાણાવ્યું હતું કે મંડળી ફરીથી જીવંત કરવા માટે જે કાગળ ઉપર ખોટું કરવામાં આવ્યું છે તે બાબતના તમામ પુરાવાઓ આપવામાં આવ્યા છે. આટલું જ નહી પરંતુ જે લોકોનું અવસાન થઇ ગયું છે અને તેમના નામની સહીઓ કરવામાં આવી છે તેના પણ પુરાવા આપવામાં આવ્યા છે છતાં કેમ કેસ દાખલ થતો નથી.

અન્ય સમાચારો પણ છે...