ભાજપનો ગઢ ગણાતી વઢવાણ વિધાનસભા બેઠકના ઉમેદવારની પસંદગી મુદ્દે આ વખતે પહેલી વાર ભાજપ ભેખડે ભરાયો છે. જૈન અને બ્રાહ્મણ સમાજને સાચવવાની સાથેસાથે મહિલા મતદારોને આકર્ષવા ભાજપે જિજ્ઞાબહેન પંડ્યાને ટિકિટ આપી હતી પરંતુ સથવારા સમાજ નારાજ થતાં પક્ષે જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાને ઉમેદવારી કરાવવા આદેશ છોડ્યો હતો. છેલ્લી ઘડીએ જિજ્ઞાબહેનને બહાર કાઢતાં જૈન અને બ્રાહ્મણ સમાજમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને ભાજપના ગઢમાં જ ગાબડું પાડવાની રણનીતિ નક્કી કરવા બેઠકો યોજી હતી પરંતુ ‘ગાજ્યા મેહ વરસે નહીં’ કહેવત પ્રમાણે બંને સમાજ સોમવારે એકદમ શાંત થઈ ગયો હતો અને જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ જિજ્ઞાબહેન, વર્ષાબહેન દોશી સહિતના આગેવાનો જગદીશ મકવાણાની સભા, રેલી અને છેલ્લે ફોર્મ ભરવા ટાણે પણ સાથે રહ્યાં હતાં.
વઢવાણ વિધાનસભાની બેઠક ઉપર અત્યાર સુધી કયારે પણ ન બન્યું હોય તેવું ભાજપમાં બન્યું હતું. જેમાં ભાજપે જાહેર કરેલા પોતાના મહિલા ઉમેદવાર જીજ્ઞાબેન પંડ્યાને ગાંધીનગર બોલાવીને આ બેઠક અન્ય ભાજપના કાર્યકર્તાને આપવા માટે લેટર લખાવી લીધો હતો. બાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણાને ટીકીટ આપવામાં આવી હતી. આ બાબતને લઇને જગદીશભાઇના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઇ હતી. પરંતુ જૈન અને બ્રહ્મસમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. સંમેલનો બોલાવીને આગેવાનોએ ભાજપને મત નહીં આપવાની જાહેરાત પણ કરી દીધી હતી. બાદમાં સોમવારે ફોર્મ ભરવાનું હોવાથી વઢવાણ વિધાનસભાનું સંમેલન મંગલ ભુવન ખાતે બોલાવવામાં આવ્યું હતું. જેમાં મત વિસ્તારના લોકોની સાથે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં જેમની ટિકિટ કપાઇ હતી તે જીજ્ઞાબેન પંડ્યા,વર્ષાબેન દોશી સહિતના ભાજપના જૈન અને બ્રહ્મ સમાજના હોદ્દેદારો જોડાયા હતા. આટલું જ નહીં પરંતુ ફોર્મ ભરવા સુધી પણ સાથે રહ્યા હતા. બીજી બાજુ સમાજના અન્ય લોકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જો ભાજપ આ બંને જ્ઞાતિના રિસામણાના મનામણા નહીં કરે તો મુશ્કેલી વધે તેવી સ્થિતિ સર્જાઇ છે.
કોંગ્રેસના જૂના જોગી મોહન પટેલ અને સોમાભાઈ પટેલે વઢવાણ વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી કરી
ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સેવાભાવી મોહનભાઇને ટિકિટ આપી હતી. પરંતુ તેમની ભાજપના ધનજીભાઇ પટેલ સામે હાર થઇ હતી. આ વખતે કોંગ્રેસે પટેલ સમાજને એક પણ ટિકિટ ન આપતા મોહનભાઇ પટેલે સમાજના હિતમાં વઢવાણમાંથી અપક્ષ ઉમેદવારી કરી છે. તો પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલે પણ પોતાને કોંગ્રેસે ટિકિટ ન આપતાં નારાજ થઇને આ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એક પાટીદાર અને બીજા કોળી જ્ઞાતિના આગેવાનોની અપક્ષ ઉમેદવારી ભાજપ માટે મુસીબત ઊભી કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.