ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામના ગટરના નાળામાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી હતી. ધ્રાંગધ્રા તાલુકામાં મમતાને લજવતા આ કિસ્સામાં ચારેકોરથી માતા ઉપર ફીટકાર વરસી હતી. જ્યારે ગામલોકોએ બાળકીને જોતા એના જીવવાની કોઈ આશા દેખાતી નહોતી. જોકે, ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ અને ત્યારબાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. બાળકી હોસ્પિટલમાં અઠવાડિયા સુધી મોત સામેનો જંગ જીતીને સ્વસ્થ બનતા વહીવટીતંત્ર અને લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.
બાળકીના માતા-પિતાની કોઈ ભાળ ન મળતા આખરે હિન્દૂ રીત રિવાજ મુજબ છઠ્ઠીની વિધિમાં બાળકીનું નામકરણ કરવામાં આવ્યું હતું. સાધુ-સંતો, ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત સહિત સામાજિક સંસ્થાના આગેવાનો, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો અને લોકોની બહોળી હાજરીમા આ માસૂમ બાળકીનું નામકરણ કરવામાં આવ્યું હતું.
જલ કોઈ પણ સ્વરૂપમાં પવિત્ર છે ત્યારે દીકરી 'જલ'માંથી મળી હોવાથી એનું નામ 'સુજલ' રાખવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે ભાવુક બનીને દીકરીને આશીર્વાદ આપ્યા હતા. સાથે આ માસુમ બાળાને નસીબવાન ગણાવી હતી કારણ કે, દુનિયાભરમાં બાળકોના માત્ર માતા-પિતા હોય છે. જયારે અહીં અનેક માતા-પિતા અને તેમની લાગણી, પ્રેમ અને આશીર્વાદ આ દીકરી સાથે છે એમ જણાવ્યું હતું.
મોટી સંખ્યામાં લોકોએ સુજલના કપડાં, શિક્ષણ અને કેળવણી માટે ખર્ચની તૈયારી બતાવી હતી. જોકે, વહીવટી નિયમ મુજબ માસુમ સુજલને હવે ચિલ્ડ્રન હોમ મોકલવામાં આવશે. આ સમગ્ર કિસ્સામાં તાલુકા પીએસઆઈ જે.બી.મીઠાપરા અને તેમનો પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય તંત્ર સાથે ખાનગી ડો.રમેશ બજાણીયાએ માસુમ સુજલના નવજીવન માટે દોડધામ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતની હાજરીમાં ધ્રાંગધ્રા પોલીસ વિભાગ દ્વારા છઠ્ઠીના દિવસે આ માસુમ બાળાની નામકરણ વિધિ કાર્યક્રમમાં બાળકીને આશિર્વાદ આપવા માટે ભરાડાના ગ્રામજનો, સાધુ-સંતો અને અગ્રણીઓ ઉમટી પડ્યાં હતા. ત્યારે 'માનવતા મરી પરવારી નથી' એવો ભાવ લોકોએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આવી ઘટનાઓ ફરી ન બને તેવી વિનંતી કરતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત પણ ભાવુક બની ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.