તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાજ અને સરકારનો સહયોગ:માસૂમ બાળક 'ખુશ' અત્યારે ખરેખર ખુશ, શાળા આરોગ્ય ચકાસણી થકી હળવદના બાળકને નવજીવન મળ્યું

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માસૂમ બાળક 'ખુશ' અત્યારે ખરેખર ખુશ, શાળા આરોગ્ય ચકાસણી થકી હળવદના બાળકને નવજીવન મળ્યું - Divya Bhaskar
માસૂમ બાળક 'ખુશ' અત્યારે ખરેખર ખુશ, શાળા આરોગ્ય ચકાસણી થકી હળવદના બાળકને નવજીવન મળ્યું
  • આરોગ્ય વિભાગ અને રૂપિયા 11 લાખની માતબર સહાય એકત્ર કરવામાં લોકોએ મદદ કરી
  • સમાજનો હૃદયપૂર્વક ખુશના માતાપિતાએ આભાર માન્યો

હળવદના મધ્યમવર્ગીય પરિવારના ખુશ પંડયાને થેલેસેમિયા મેજર બીમારી લાગુ પડયા બાદ બીમારીની સારવાર માટેનો મોંઘો ખર્ચ આ પરિવારને પરવળે તેમ ન હતો. તેથી પંડયા પરિવાર ઉપર આવેલી આફતમાં સરકારનો શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ ખરાઅર્થમાં આશીર્વાદરૂપ સાબિત થતા આજે ખુશને નવજીવન મળ્યું છે.

બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે સલાહ આપી હતી

હળવદના ગિરનારીનગર વિસ્તારમાં રહી કર્મકાંડના વ્યવસાય થકી પોતાનું ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગીય ચંદ્રકાન્ત પંડ્યાના એકના એક બાળક ખુશ પંડ્યાને થેલેસીમિયા મેજર નામની ગંભીર બીમારી હતી. જેના કારણે દર પંદર દિવસે ખુશને લોહીની બોટલ ચડાવવી પડતી હતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચાલતા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ખુશની હળવદ આર.બી.એસ.કે ડૉ. ચાંદની કગથરા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર અને તપાસ માટે સરકારી ખર્ચે સિવિલ હોસ્પિટલ અમદાવાદ રીફર કરવામાં આવેલો અને ત્યાં ફરજ પરના થેલેસિમિયા રોગ માટેના નિષ્ણાંત તબીબ ડૉ.સંદીપ શાહ દ્વારા ખુશની તપાસ કરવામાં આવી હતી. અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે સલાહ આપી હતી.

દાન માટે હળવદ યુવા ગ્રુપ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ

જે ઓપરેશન માટે અને ઓપરેશન પછી તમામ ખર્ચ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આશરે રૂ. 70 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ શાળા આરોગ્ય કાર્યક્રમ યોજના થકી મળવા પાત્ર હતો. પરંતુ સ્ટેમ્પસેલ તેના માતા પિતાના મેચ ન થયા હોવાથી સ્ટેમ્પ સેલ માટે અંદાજે રૂ.11 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ કરવાનો હોય જે ખર્ચને પહોંચી વળવા ખુશ પંડ્યાનો પરિવાર સક્ષમ ન હોઈ ત્યારે આ વાતની જાણ સમસ્ત હળવદ યુવા ગ્રુપને થતા સમસ્ત હળવદ યુવા ગ્રુપ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારોએ નિઃશુલ્ક સેવા આપી હતી. અને હળવદ સહિત ગુજરાત ભરના તમામ સમાજના લોકોએ તન મન ધનથી થેલેસીમિયા ગ્રસ્ત બાળકની સારવાર માટે સહકાર આપ્યો હતો. અને સ્ટેમ સેલ માટે ઉદાર હાથે સહાય કરી અને ખુબ જ સહકાર આપ્યો હતો અને આશરે રૂ.11 લાખ જેટલી માતબર રકમ તમામ સમાજના સહકારથી પ્રાપ્ત થઈ હતી.

હળવદનો માસૂમ બાળક ખુશ અત્યારે ખરેખર ખુશ છે

ત્યારબાદ ખુશ પંડ્યાનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ ઓપરેશન પછીની સારવાર માટે 9 થી 10 મહિના માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખુશને આઇસીયુમાં દાખલ રાખવામાં આવ્યો હતો. અને ત્યારબાદ સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અને અત્યારે હળવદનો માસૂમ બાળક ખુશ અત્યારે ખરેખર ખુશ છે. અને થેલેસીમિયાની બીમારીમાંથી બહાર નીકળી અને એકદમ સ્વસ્થ છે.

તમામનો આભાર વ્યક્ત કર્યો હતો

છેલ્લા 11 મહિનાથી ખુશને લોહીની બોટલ પણ ચડાવી નથી પડતી અને તેનું હિમોગ્લોબીન પણ 13% ઉપર છે. ત્યારે ખુશ એકદમ સ્વસ્થ થઈ જતા ખુશના માતા પિતાએ સારી સારવાર માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ અને આ કટોકટીના સમયે સહકાર આપેલ તમામ સમાજના નાગરિકો અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભાવિન ભટ્ટી , જિલ્લા પંચાયત મોરબી આરોગ્ય શાખા,આર.બી.એસ.કે ટિમ, કલાકાર મિત્રો, સામાજિક આગેવાનો અને પત્રકાર મિત્રો સહિત નામી અનામી લોકો જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ કાર્યમાં સહકાર આપ્યો છે તે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...