હાલમાં ગરમ મસાલા ભરવાની સિઝનમાં લોકો આખા વર્ષ માટે મસાલા ભરતા હોય છે. પરંતુ હાલમાં મરી મસાલાના ભાવમાં કમરતોડ વધારો થતા ગૃહિણીઓના બજેટ પર અસર થઇ છે. વર્ષ દરમિયાન થયેલા માવઠા સહિતના કારણોને લીધે મરચા, હળદર,ધાણા-જીરુ સહિતના મસાલામાં રૂ. 45થી લઇને રૂ. 250નો વધારો થયો છે. જેની સામે બજારમાં પણ હાલ 30થી 40 ટકા જેટલી ખરીદી ઘટી ગઇ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. ખાદ્યતેલ, દૂધ,પેટ્રોલ-ડિઝલ સહિતના ભાવમાં વધારો થતા ગરીબ અને મધ્યમવર્ગ પીસાઇ રહ્યો છે.
કારમી મોંઘવારીમાં મસાલાની સિઝનના સમયે મરી મસાલાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થઇ ગયુ છે. આ અંગે મણીબેન વાઘેલા, લીલાબેન સોલંકી, પાર્વતીબેન પરમાર વગેરે જણાવ્યું કે, હાલના સમયે આખા વર્ષનો મસાલો કેમ ભરવો તે એક પ્રશ્ન છે. ભાવ વધવાથી ન છૂટકે વર્ષ દરમિયાન છૂટક છૂટક મસાલા લાવીને દિવસો પસાર કરવા પડશે. સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલના મહિનામાં હળદર, મરચુ, ધાણાજીરૂ, મરી મસાલા ખરીદવાની સિઝન હોય છે.
વર્ષ દરમિયાન થયેલા માવઠાના કારણે મરચા, હળદર, ધાણા-જીરુ, હિંગ સહિતના મસાલાના ભાવમાં રૂ. 45થી 250નો વધારો થયો છે. ઘરમાં 4 વ્યક્તિ હોય તો એક મસાલાની આઇટમની 2થી 2.50 કિલો ખરીદી કરવી પડે. જ્યારે ઘરમાં 15થી 20 સભ્યની સંખ્યા હોય તો એક મસાલાની આઇટમની 5 કિલો જેટલી ખરીદી કરવી પડે.
મરી-મસાલામાં 20થી 30% અને કઠોળના ભાવમાં 10થી 15નો વધારો: કઠોળના ભાવ શરૂમાં ઓછા હોય છે
મરી મસાલાના કિલોએ 20થી 30 ટકા ભાવનો વધારો થયો છે. કઠોળના ભાવમાં કિલોએ રૂ. 10થી 15નો વધારો થયો છે. અમુક કઠોળના ભાવમાં વધારો નથી. દર વર્ષે કઠોળના ભાવ શરૂઆતમાં ઓછા હોય છે. પરંતુ વર્ષના અંતિમ દિવસોમાં ભાવ વધે છે. > બાબુભાઈ પ્રજાપતિ, પ્રમુખ. મહેતા માર્કેટ, કરિયાણા વેપારી એસોસિયેશન
હિંગનો પાક નિષ્ફળ જતાં ભાવમાં વધારો થયો છે
જિલ્લામાં હિંગની ખરીદી બહારથી કરાય છે. આ વર્ષે હિંગનો પાક નિષ્ફળ જતા ભાવમાં રૂ. 240 થી 250નો વધારો જોવા મળ્યો છે. પરિણામે ગૃહિણીઓ માટે હાલ હિંગ પણ જાણે કિંગ બની હોય તેવા ઘાટ સર્જાયો છે.
એક વર્ષમાં મસાલાના ભાવમાં ભાવવધારો (કિલોએ.રૂ.માં)
મરી મસાલાના ભાવમાં કમરતોડ વધારો થતા ગૃહિણીઓના બજેટ પર અસર પહોંચી હતી.
મસાલા | ગત વર્ષ | ચાલુ વર્ષ |
મરચા | 140-145 | 280-300 |
હળવદ આખી | 120-125 | 145-170 |
લીલી ધાણી | 120-130 | 150-180 |
જીરૂ આખુ | 150-160 | 240-280 |
હીંગ | 240-250 | 480-500 |
તજ | 260-270 | 300-320 |
લવિંગ | 650-680 | 800-850 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.