જિલ્લામાં મુખ્ય પાકો પૈકી દિવેલાનો પાક પણ હોવાથી આ વર્ષ 68,213 હેક્ટરમાં ખેડૂતોએ દિવેલાનો પાક વાવેતર કર્યો છે.જેમાં સૌથી વધુ પાટડી પંથકમાં 40,268 હેક્ટરમાં અને ત્યારબાદ બીજા ક્રમે સૌથી વધુ લખતર 12,303 હેક્ટરમાં દિવેલાનું વાવેતર કરાયુ છે. પરંતુ દિવેલાના પાકમાં હાલ નાનીધોડિયા ઇયળોનો ઉપદ્રવ વધવા પામ્યો છે. આ ઇયળ દિવેલાના પાનને કોતરે છે. મોટી ઇયળો પાનની નસો સિવાયનો બધો જ લીલો ભાગ ખાઇ ઝાંખરા જેવો બનાવી દે છે જ્યારે વધુ ઉપદ્રવમાં માળ અને ડોડવા પણ કોરી ખાય છે.
ખેડૂત નિતીનભાઇ પટેલ, રાજદિપભાઇ અશ્વાર સહિતનાઓએ જણાવ્યું કે આ ઇયળોનો ત્રાસ વર્તાતા દિવેલાનો પાક નિષ્ફળ જવાથી પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીએ જણાવ્યું કે, ખેતરમાં પ્રકાશ પીંજર ગોઠવવા, કૂંદીઓની હાજરી જણાતા ટ્રાયકોગ્રામા ભમરીઓ દર અઠવાડીએ એક લાખ પ્રમાણે હેક્ટર દીઠ છોડવાથી સારુ પરિણામ મળે છે.
બેસીલસ થુરેન્જીએન્સીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાવડર પાણીના જથ્થામા ઉમેરી બીજી કે ત્રીજી અવસ્થાની ઘોડીયા ઈયળો જોવા મળે ત્યારે છંટકાવ કરવો, દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વધારે હોય ત્યારે ખેતરમાં કુદરતી રીતે પક્ષીઓથી તેનું ભક્ષણ થતું હોય છે, કીટકભક્ષી પક્ષીઓને આકર્ષવા લાકડાના 8 થી 10 ફૂટ લાંબા 30 થી 40 બેલીખેડા પ્રતિ હેક્ટરે ગોઠવવા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.