• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • Industrialists farmers Do Not Take Water, There Is No Proper Disposal System So 3.23 Lakh Liters Of Pure Water Has To Be Discharged In River drains Every Day.

એક્સક્લુઝિવ:ઉદ્યોગકારો-ખેડૂતો પાણી લેતા નથી, નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી એટલે રોજ 3.23 લાખ લીટર શુદ્ધ પાણી નદી-નાળાંમાં નાખી દેવું પડે છે

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં સુએઝ પ્લાન્ટનું શુદ્ધ પાણી નાળામાં છોડાય છે.આ પાણી તળાવ કાંઠે રહેતા લોકોના ઝૂંપડામાં ઘુસી જાય છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં સુએઝ પ્લાન્ટનું શુદ્ધ પાણી નાળામાં છોડાય છે.આ પાણી તળાવ કાંઠે રહેતા લોકોના ઝૂંપડામાં ઘુસી જાય છે.

શહેરની ભૂગર્ભ ગટરોનું પાણી શુદ્ધ કરવા માટે 1 વર્ષ પહેલાં રૂ. 32 કરોડથી વધુના ખર્ચે સુએઝ પ્લાન્ટ બનાવાયો છે. શુદ્ધ કરાયેલું પાણી ઉદ્યોગો અને ખેડૂતોને આપવાનો જીયુડીસીનો હેતુ હતો પરંતુ આ હેતુ સર્યો નથી. ઉદ્યોગકારો અને ખેડૂતો પાણી લેતા ન હોવાથી અને આ પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી રોજ શુદ્ધ કરાતું 3.23 લાખ લીટર પાણી નદી-નાળાંમાં વહાવી દેવું પડે છે.

ભૂગર્ભ ગટરમાં આવતું ગંદું પાણી શુદ્ધ કરવા માટે મૂળચંદ રોડ પર 32 કરોડથી વધુના ખર્ચે સુએઝ પ્લાન્ટ બનાવાયો છે, જેમાં રોજ 32 અમએલડી અશુદ્ધ પાણી શુદ્ધ કરવાની ક્ષમતા છે. વર્તમાન સમયે રોજ અંદાજે 22થી 26 એમએલડી અશુદ્ધ પાણી આવે છે, તે પૈકી 3.23 લાખ લીટર જેટલું પાણી શુદ્ધ કરીને ખાળિયામાં વહાવી દેવાય છે. સુએઝ પ્લાન્ટ તો બનાવી દીધો આટલું જ નહી પરંતુ 1 વર્ષથી આ પ્લાન્ટને ચાલુ કરીને અશુદ્ધ પાણીને શુદ્ધ પણ કરવાનું શરૂ કરી દીધુ. પરંતુ શુદ્ધ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જ કરાઈ નથી. પ્લાન્ટમાં શુદ્ધ કરાતું પાણી ભોગાવો તરફ અને બોડા તળાવ તરફ જતી અને વરસાદી પાણીના નિકાલ માટેના ખાળિયામાં છોડી દેવામાં આવે છે, જેમાં ખાળિયામાં છાસવારે આડાશ આવી જાય છે. મંગળવારે તો છોડવામાં આવેલું પાણી બોડા તળાવના કાંઠે ઝુંપડામાં ઘૂસી ગયું હતું.

GIDCના 5થી 6 યુનિટ તૈયાર થાય તો સરકાર લાઇન માટે સબસિડી આપી શકે છે
સુએઝ પ્લાન્ટમાંથી જે પાણી ખાળિયામાં છોડવામાં આવે છે તે પાણીનો 5થી 6ના સમૂહમાં જીઆઇડીસીના ઉદ્યોગકારો કે ખેડૂતો લેવા તૈયાર થાય તો પાઇપલાઇન નાખવા માટે સરકાર સબસીડી પણ આપી શકે છે.

મૂળચંદની આખી સીમને પિયતનો લાભ મળે
વર્તમાન સમયે આ સુએજ પ્લાન્ટમાં રોજ અંદાજે 12થી 18 એમએલડી એટલે કે 3 કરોડ લીટર અશુદ્ધ પાણી શુદ્ધ કરાઈ રહ્યું છે. આ પાણીનો ઉપયોગ ખેડૂતો કરતા થઈ જાય તો મૂળચંદની સીમમાં જેટલી જમીન છે, તે તમામ જમીનની સિંચાઈ માટે આ પાણીનો લાભ મળી શકે છે.

રૂ. 5માં 1000 લીટર પાણી મળી શકે છે
પાણીને શુદ્ધ કરવાનો ખર્ચ ખૂબ ઓછો થાય છે. પ્લાન્ટના ખર્ચમાં જ શુદ્ધીકરણનો ખર્ચ આવી જાય છે. આ પાણી જીઆઇડીસી અને ખેતીના ઉપયોગમાં લેવા ઉદ્યોગકારો અને ખેડૂતો તૈયાર થાય તો સરકારના ભાવ મુજબ 1 હજાર લીટર પાણીના માત્ર 5 રૂપિયા લેખે ચૂકવવા પડે તેમ છે.

આ ભાવમાં તો કૂવાનું પાણી મળે છે
સુએઝ પ્લાન્ટથી જીઆઇડીસીના ઉદ્યોગકારોને પાણી આપવા માટે હાલ પાણીની લાઇન નાખવામાં આવી નથી. આ પાણી ટૅન્કર દ્વારા જ જીઆઇડીસીને આપવામાં આવે છે. જ્યારે બહારથી મગાવવામાં આવતા કૂવાનાં પાણીનાં ટૅન્કર પણ આ જ ભાવે મળે તેમ છે. હવે કૂવાનું પાણી આ ભાવે મળે તો ઉદ્યોગકારો શુદ્ધ કરેલું પાણી શા માટે લે? ઉપરાંત આ પાણી કેટલું શુદ્ધ છે, તેના ટેસ્ટિંગના રિપોર્ટની વિગતો મળે તો ખબર પડે.’ > સુમિત પટેલ, પ્રમુખ, જીઆઇડીસી ઍસોસિયેશન

અન્ય સમાચારો પણ છે...