લ્યો બોલો:વાંકાનેરના ચિત્રાખડા ગામે સરપંચ પદના ઉમેદવારને પોતાનો મત ના મળ્યો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ પદના ઉમેદવારને શૂન્ય મત મળતા ભારે આશ્ચર્ય સર્જાયું

આજે ગ્રામપંચાયતની ચૂંટણીના મહા સંગ્રામમાં મત ગણતરી સમયે અવનવી બાબતો સામે આવી છે. જેમાં હળવદ તાલુકામાં બે ગામોમાં વોર્ડ સભ્ય ઉમેદવારો વચ્ચે ટાઈ પડતા ચિઠ્ઠી નાખી વિજેતા નક્કી કરાયા હતા. તો વાંકાનેર ચિત્રાખડા ગામમાં ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં સરપંચ પદના ઉમેદવારને ખુદ પોતાનો મત ન મળવાની સાથે શૂન્ય મત મળતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગ્રામ પંચાયતની મતગણતરી હાથ ધરવામાં આવતા સરપંચ પદ માટે ચૂંટણી લડતા સાકુબેન બાબુભાઇ ડાભીને 489 મત, શાંતુબેન જલભાઈ ડાભીને 455 મત અને આશ્ચર્યજનક રીતે સરપંચ પદના ત્રીજા ઉમેદવાર એવા અનુબેન સામતભાઈ ડાભીને 0 મત મળ્યા હતા. આ સંજોગોમાં સવાલ એ ઉઠે કે સરપંચ પદના દાવેદાર અનુબેન સામતભાઈ ડાભીને પોતાનો મત કેમ ન મળ્યો ? હકીકતમાં આ ઉમેદવારે પોતાના નિશાનને બદલે નીચેના ભાગે અન્ય ઉમેદવાર અને પોતાના નામ વચ્ચેના ભાગે ચોકડી મારતા તેમનો ખુદનો મત રદ્દ થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામમા કુલ 1215 મતદારો પૈકી 553 પુરુષ અને 441 સ્ત્રી સહિત કુલ 976 મતદાતાઓએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી 80.33 ટકા જેટલું ઊંચું મતદાન કર્યું હતું. જો કે, ચિત્રાખડા ગામના ત્રિપાખીય ગ્રામીણ ચૂંટણી જંગમાં ત્રીજા ઉમેદવાર ક્લીન સ્વીપ થતા અનોખો રેકોર્ડ પણ સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

​​​​​​​અમરેલી જિલ્લામાં પણ એક ઉમેદવારને એક પણ મત મળ્યો ન હતો. વડીયાના ખજૂરી પીપળીયા ગામે વોર્ડ નંબર 2માં કાંતિભાઈ નિરંજનીને એક પણ મત મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...