ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ એટલે કે એસટીમાં ઓનલાઈન ટિકિટ બુક કરી જે તે ડેપો મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈ કાગળ ઉપર રૂટ કેન્સલ બતાવી ટિકિટના નાણાં રીફન્ડ મેળવવાના કૌભાંડના તાર વાંકાનેર એસટી ડેપો સુધી લંબાયા છે. બે કૌભાંડી એજન્ટે બુકીંગ કરાયેલી બસની ટ્રીપ કાગળ ઉપર રદ કરી નાખી ટિકિટના નાણાંનું રીફન્ડ મેળવી લઇ વાંકાનેર ડેપોને રૂપિયા 1.44 લાખથી વધુનું નુકસાન પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
એસટી વિભાગના મહિલા અધિકારીએ ફરિયાદ નોંધાવી
આ ચકચારી કૌભાંડ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં એસટી વિભાગને નુકશાન પહોંચે તેવું કૌભાંડ આચરી એસટીના માન્ય બુકીંગ એજન્ટો દ્વારા પહેલા ટિકિટ બુક કરાવવામાં આવતી હતી. બાદમાં કોઈ પણ રીતે જે તે ડેપોના ડેપો મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈ બુકીંગ કરાયેલી બસની ટ્રીપ કાગળ ઉપર રદ કરી નાખી ટિકિટના નાણાંનું રીફન્ડ મેળવી લઇ નવતર પ્રકારની છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જેના અન્વયે વાંકાનેર એસટી ડેપોને પણ ભેજાબાજ એજન્ટોએ નુકશાન પહોંચાડતાં વાંકાનેર એસટી વિભાગના મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
એજન્ટોએ કુલ રૂપિયા 1.44 લાખનું નુકશાન પહોંચાડ્યું
ટિકિટ કેન્સલ કરી રીફન્ડ મેળવવા અને ટ્રીપ કેન્સલ કરવાના આ કૌભાંડમાં સંજયભાઇ આર. બારીયા જેના યુઝર આઇડી GS SANJAY R અને વિપુલભાઇ ભગાભાઇ મોહનીયા જેના યુઝર આઇડી GS MOHANIYA નામના વ્યક્તિઓ દ્વારા જાન્યુઆરી-2022થી મે-2022 દરમિયાન વાંકાનેર એસટી ડેપોની અંદાજે 600થી વધુ ટિકિટ રદ્દ કરી હતી. તેમજ ડેપો મેનેજરના યુઝર આઈડી-પાસવર્ડ મેળવી બસના રૂટ કેન્સલ કરી કુલ રૂપિયા 1 લાખ 44 હજાર 482નું નુકશાન પહોંચાડ્યું હોવાની વાંકાનેર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા કવિતાબેન મલયભાઇ ભટ્ટ દ્વારા ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.