છરીની અણી લૂંટ:મોરબીના વાંકાનેરમાં છરીની અણીએ જીનીંગ મિલના માલિક પાસેથી રૂ. 27 લાખની લૂંટ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના વાંકાનેરમાં છરીની અણીએ જીનીંગ મિલના માલિક પાસેથી રૂ. 27 લાખની લૂંટ - Divya Bhaskar
મોરબીના વાંકાનેરમાં છરીની અણીએ જીનીંગ મિલના માલિક પાસેથી રૂ. 27 લાખની લૂંટ
  • જીનીંગ માલિક એકાઉન્ટન્ટ સાથે કારમાં મિલની બહાર નીકળ્યા, ત્યારે જ બે લૂંટારુંઓએ હુમલો કરી દીધો

મોરબી જિલ્લામાં ગંભીર ગુનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબીના વાંકાનેરમાં છરીની અણીએ જીનિંગ મિલના માલિક સાથે રૂ. 27 લાખની લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બે લૂંટારુંઓ આ લૂંટને અંજામ આપીને પળવારમાં જ ફરાર થઇ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વાંકાનેર શહેર નજીક આવેલા વિકાસ જીનિંગ મિલના પાર્ટનર યુસુફભાઈ માથકીયા તેમના એકાઉન્ટન્ટ અબ્દુલભાઈ સાથે સ્વીફટ કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓએ કાર મિલની બહાર કાઢી, ત્યાં જ દીવાલ ઉપર બેઠેલા એક વ્યક્તિએ કાર ઉપર પથ્થર માર્યો હતો. બાદમાં બીજા એક વ્યક્તિએ આવીને બેઝબોલનો ધોકો કાર ઉપર માર્યો હતો.

બાદમાં મિલના પાર્ટનર યુસુફભાઈ બહાર નીકળ્યા હતા. ત્યારે બન્ને લૂંટારુઓએ તેમના ઉપર હુમલો કર્યો હતો.લૂંટારુઓએ છરી વડે યુસુફભાઈને ઇજા પણ પહોંચાડી હતી. બાદમાં આ બન્ને લૂંટારુંઓ રૂ. 27 લાખ ભરેલું બેગ લઈને પળવારમાં જ અદ્રશ્ય થઇ ગયા હતા. આ ઉપરાંત અન્ય એક બેગ જેમાં ચેક અને ડોક્યુમેન્ટ હતા તે બેગ પણ લૂંટારુઓ લઈ ગયા હતા. બીજી બાજુ યુસુફભાઈને ઇજાઓ પહોંચી હોઇ તેમને તાકીદે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે જાણ થતા એલ.સી.બી. પી.આઇ. જાડેજા તથા વાંકાનેર પોલીસ મથકના જાડેજા સહિતના અધિકારીઓ અને જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ પોલીસે લૂંટ અંગેનો ગુન્હો દાખલ કરી આ લૂંટારુંઓની નાકાબંધી સાથે શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...