વઢવાણ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણીનો રંગ બરાબર જામી ચૂક્યો છે. ભાજપે ટિકિટ બદલતાં જૈન અને બ્રહ્મસમાજના રોષનો સામનો કરીને ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિ છે ત્યારે ખાસ કરીને સંયુક્ત પાલિકા વિસ્તાર ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સાથે રહ્યો હતો જ્યારે વઢવાણ તાલુકાનાં ગામડાંએ ભાજપને ખાધ આપી હતી. આથી આ ચૂંટણીમાં ભાજપે ગામડાંમાં તો કૉંગ્રેસ અને ‘આપ’એ સંયુક્ત પાલિકાના શહેરી વિસ્તારમાં તાકાત લગાવવી પડશે.
વઢવાણ વિધાનસભાની ચૂંટણીના જંગમાં ભાજપના જગદીશ મકવાણા, કૉંગ્રેસના તરુણ ગઢવી અને આપના હિતેષ બજરંગ આમનેસામને છે. ત્રણેય પક્ષના ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર ચાલુ કરી દીધો છે ત્યારે ભાજપ માટે વઢવાણ તાલુકાનાં 45 ગામડાં પડકાર રૂપ બની રહેશે. કારણ કે વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના ધનજીભાઈ પટેલ 19524 મતે વિજયી થયા હતા પરંતુ ગામડાંમાંથી તેમને 550 મતની ખાધ નીકળી હતી. આ વખતે પણ ખેડૂતોના પાણીના પ્રશ્નો ભાજપની સામે આવી શકે છે. જોકે વઢવાણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ગામડાંના લોકો ભાજપને પસંદ કરે છે.
કારણ કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં 18માંથી 13 બેઠક ઉપર ભાજપના સભ્યો જીત્યા હતા. આમ તાલુકા પંચાયતમાં સાથે રહેતા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપથી દૂર રહેતા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે 2017માં ભાજપ શહેરી વિસ્તારના મતની લીડથી જ જીત્યો હતો. અત્યારે સંયુક્ત પાલિકામાં ભાજપની સ્પસ્ટ બહુમતી સાથેની બોડી છે. સંયુક્ત પાલિકાની પહેલી ચૂંટણી યોજાઈ, તેમાં કુલ 13 વોર્ડના 52માંથી ભાજપના 49 સભ્ય જીત્યા છે. આમ શહેરમાં ભાજપનું પ્રભુત્વ છે, જેનો ફાયદો ભાજપને મળી શકે છે.
અને આ કારણથી જ કૉંગ્રેસ અને આપના ઉમેદવારોએ જીત માટે સંયુક્ત પાલિકાના તમામ 13 વોર્ડમાં પૂરી તાકાત લગાવવી પડશે. બીજી બાજુ જૈન અને બહ્મસમાજના લોકોના રોષને શાંત કરવામાં ભાજપ કેટલો સફળ રહે છે તો સામે કૉંગ્રેસ અને આપ, તે અસંતોષનો કેટલો ફાયદો લઈ શકે છે તેના ઉપર પરિણામનો આધાર છે. પહેલાં આ બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો જ જંગ થતો હતો ત્યારે આ ચૂંટણીમાં આપ પણ મેદાનમાં છે. એટલે પરિણામમાં ત્રિરાશિ મંડાય છે કે ભાગાકાર થાય છે, એ જાણવું રસપ્રદ રહેશે. આમ વઢવાણ વિધાનસભા બેઠક ઉપર ચૂંટણીનો રંગ બરાબર જામી ચૂક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.