રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પ્રતિકૂળ અસરને લીધે તા. 4, 5 અને 6 માર્ચ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે જણસીઓ વરસાદમાં પલળીને ખરાબ ન થઈ જાય તે માટે આજથી હળવદ માર્કેટ યાર્ડમાં જણસીઓની આવક બંધ કરવામાં આવી છે. જ્યારે મોરબી યાર્ડમાં જણસીની આવક ચાલુ રહેશે પણ ખેડૂતોને માલ ઢાંકીને લાવવાની અપીલ કરાઈ છે.
હળવદ માર્કેટ યાર્ડની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલથી ત્રણ દિવસની વરસાદની આગાહી હોવાથી હળવદ માર્કેટ યાર્ડમાં જણસીઓ વરસાદમાં પલળીને ખરાબ ન થઈ જાય તે માટે આજે તા.3 માર્ચથી જણસીઓની આવક બંધ કરવામાં આવી છે. અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી હળવદ માર્કેટ યાર્ડમાં જણસીઓની આવક બંધ રહેશે. આ દરમિયાન ખેડૂતોને હળવદ માર્કેટ યાર્ડમાં જાણસીઓ લઈને ન આવવાની અપીલ કરવામાં આવી છે.
જ્યારે મોરબી માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી કાંતિભાઈના જણાવ્યા મુજબ હવામાન વિભાગ દ્વારા તા. 4, 5 અને 6 માર્ચ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તે દરમિયાન મોરબી માર્કેટ યાર્ડમાં જણસીઓની આવક બંધ કરાઈ નથી. પણ મોરબી માર્કેટીંગ યાર્ડમાં વરસાદની આગાહી દરમિયાન પણ જાણસીઓની આવક ચાલુ રહેશે. આથી ખેડૂતોને પોતાનો માલ તાડપત્રી કે પ્લાસ્ટિકથી ઢાંકીને લાવવા અને વેપારીઓને પણ માલને સુરક્ષિત રાખવાની અપીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.