વિકાસથી વંચિત એક ગામ:થાનના ઉંડવી ગામમાં ધો. 8 પછીના વર્ગોનો અભાવ, વાહન વ્યવહાર અને આરોગ્યલક્ષી સેવાઓના નામે પણ મીંડુ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
થાનના ઉંડવી ગામમાં ધો. 8 પછીના વર્ગોનો અભાવ - Divya Bhaskar
થાનના ઉંડવી ગામમાં ધો. 8 પછીના વર્ગોનો અભાવ
  • ગામની એક પણ દીકરી ધોરણ 8 પછી આગળ અભ્યાસ જ નથી કરી શકી
  • ગરીબીના લીધે ગ્રામજનો પોતાના બાળકોને વધુ અભ્યાસ માટે બહાર મોકલવા લાચાર
  • ગામમાંથી બહાર જવા માટે બસ કે કોઈ વાહનની વ્યવસ્થા પણ નથી

ગ્રામ્ય સ્તર સુધી સરકારની પહોંચ માટે ગ્રામ પંચાયતની વ્યવસ્થા કરી હતી. આજે ગુજરાતમાં એ જ ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે. વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતના અનેક ગામડાઓ હજુ સુધી વિકાસથી વંચિત છે. આવું જ એક ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાનું ઉંડવી ગામ.

ગામમાં બસ કે કોઈ વાહનની વ્યવસ્થા નથી

ઉંડવી ગામની સૌથી મોટી સમસ્યા એ છે કે, અહીંની દીકરીઓ શિક્ષિત નથી. આ ગામની એક પણ દીકરી ધોરણ 8 પછી આગળ અભ્યાસ જ નથી કરી શકી. જેનું મુખ્ય કારણ એ છે કે, આ ગામમાં ધોરણ 8 પછીના વર્ગો નથી. આ ગામમાંથી બહાર જવા માટે બસ કે કોઈ વાહનની વ્યવસ્થા પણ નથી. બીજુ અહીંના ગ્રામજનો એટલા ગરીબ છે કે, તેઓ પોતાના બાળકોને વધુ અભ્યાસ માટે બહાર મોકલી શકે તેમ નથી.

આરોગ્ય સેવાના નામે પણ મીંડું

એક તરફ શહેરમાં માતા-પિતા પોતાના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલી રહ્યાં છે, તો બીજી તરફ આ ગામના હોંશિયાર વિદ્યાર્થીઓ સુવિધાના અભાવે આગળ ભણી નથી શકતાં. ગ્રામજનો પણ પોતાના બાળકોને આગળ ભણાવવા માંગે છે, પરંતુ ગરીબીના કારણે તેઓ તેમ કરી શકતા નથી. આ ગામમાં વસતા ગ્રામજનો ઈચ્છે છે કે, આ ગામમાં શિક્ષણ સુવિધાનો તો અભાવ છે જ. આ સાથે આરોગ્ય સેવાના નામે પણ મીંડું જોવા મળે છે.

સારા સરપંચ આવી સમસ્યા પર ધ્યાન આપે તેવી માંગ

ગ્રામજનો પણ ઈચ્છે છે કે, ગામમાં કોઈ સારા સરપંચ આવે અને તેમની સમસ્યા પર ધ્યાન આપે. ગુજરાતમાં શિક્ષણ માટે જરૂરી માળખાગત સુવિધાઓમાં સુધારો થયો હોવાના મોટા-મોટા બણગા ફૂંકવામાં આવી રહ્યાં છે. જો કે સરકારી આંકડાઓમાં જે દ્રશ્ય જોવા મળે છે, તે ખરેખર અલગ છે. આ તો માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના ઉંડવી ગામની જ વાત થઈ. આવા તો રાજ્યના અનેક આંતરિયાળ ગામો હશે, જ્યાં આવી પાયાની સુવિધાનો જ અભાવ હશે.

અન્ય સમાચારો પણ છે...