હળવદ તાલુકાના રણકાંઠાના છેવાડે આવેલ ટિકર (રણ)ગામે આવેલા ઇન્દીરા આવાસ વિસ્તારના લોકો હાલ કાળઝાળ ગરમી વચ્ચે દસ-બાર દિવસથી પાણી માટે રીતસર વલખા મારી રહ્યા છે. પાણી આવતું ન હોય અને ઉપરથી સરપંચ બપોરના ટાઈમે આરામ કરતા હોવાથી રજૂઆત કરવા આવવું નહિ તેવો જવાબ આપતાં મહિલાઓ વિફરી હતી. જેથી મહિલાઓ સહિતના ટોળાએ ગ્રામ પંચાયત કચેરીએ દોડી જઈને રીતસર છાજીયા લીધા હતા. તેમજ ગ્રામ પંચાયત અને અને સરપંચના નામના હાય હાયની નારેબાજી લગાવી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઇન્દીરા આવાસ વિસ્તારમાં 10 દિવસથી પાણીની હાડમારી
ટિકર (રણ) ગામે આવેલ ઇન્દીરા આવાસમાં રહેતા મહિલાઓ સહિતનું ટોળું આજે શનિવારે બપોરે ટિકર ગ્રામ પંચાયત કચેરી દોડી જઈને પાણી પ્રશ્ને સરપંચના પતિને ઘેરાવ કરી મોરચો માંડ્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં પાણીના કોઈ જ ઠેકાણા જ નથી. ક્યારે પાણી આવે એ નક્કી હોતું નથી. તેમાંય છેલ્લા દસ-બાર દીવસથી પાણીની પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. આથી બોરનું પાણી પણ ઉપયોગ લઈ શકાતું નથી.તેથી વેચાતું પાણી લેવું પડે છે. આ વિસ્તારમાં આશરે 150 જેટલા મકાનો છે. જે દસેક દિવસથી પાણીની હાડમારી ભોગવે છે.
મહિલાઓએ સરપંચના નામના છાજીયા લીધા
પાણી યાતના ખૂબ જ ગંભીર હોય ગામના સરપંચ મહિલા હોય પણ તેમના પતિ જ વહીવટ ચલાવે છે. આ વિસ્તારના લોકો ચૂંટણી પુરી થયા બાદ આજ દિવસ સુધી મહિલા સરપંચને જોયા પણ નથી. તેમને લોકોના કામમાં રસ જ નથી. તેમાંય પાણી મુદ્દે સરપંચના પતિને રજુઆત કરવી પડે છે. તેમને ગ્રામજનોએ અનેક વખત રજુઆત કરી છે. છતાં પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે. તેમાંય સરપંચે બપોરના ટાઈમે આરામ કરતા હોય રજુઆત કરવા આવવું નહિ તેવું કહેતા પુરૂષો અને મહિલાઓ રોષે ભરાયા હતા.રોષે ભરાયેલી મહિલાઓએ ગ્રામ પંચાયત અને સરપંચના નામના છાજીયા લીધા હતા અને પાણી આપોનો પોકાર કરી ઉગ્ર રજુઆત કરી હતી.
અમે બપોરે ફોન કરવાની ના પાડી જ નથી - સરપંચ પતિ
આ મામલે સરપંચના પતિએ કહ્યું હતું કે, લોકોની વાત ખોટી છે. અમે બપોરે ફોન કરવાની ના પાડી જ નથી. લોકોની રજુઆત સાંભળીને ઉકેલ માટે પ્રયાસો કરીએ છીએ. હાલ માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલ બંધ હોવાથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય છે.જો કે પાણીની સમસ્યા હલ કરવા બ્રાહ્મણી નદીમાં કુવા બનાવ્યા હતા. પણ પાણીની સમસ્યા યથાવત રહી છે. હવે પાણી પુરવઠાને રજુઆત કરીને આ લોકોને પ્રાઇવેટ પાણીની લાઈન નાખી આપે તેવી વ્યવસ્થા કરાશે. જેથી હવે જોવાનું એ રહ્યું કે આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા જ્યારે હલ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.