વાજબી ભાવની દુકાનમાં ચેકિંગ:પાટડીમાં રેશનિંગની દુકાનમાં તપાસમાં ગેરરીતિ જણાતા અનાજનો જથ્થો સીઝ કરાયો

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન પત્રક અને હાજર સ્ટોકની ચકાસણીમાં વિસંગતતા જોવા મળતા કાર્યવાહી હાથ ધરાઇ
  • પાટડી કન્ઝ્યુમર્સ સહકારી મંડળી લિ. સંચાલિત વાજબી ભાવની દુકાને આકસ્મિક ચેકીંગ દરમિયાન જથ્થામાં વધઘટ જોવા મળી

પાટડીમાં મામલતદારના સરપ્રાઇઝ ચેકીંગમાં રેશનિંગની દુકાનમાં તપાસમાં ગેરરીતિ જણાતા અનાજનો જથ્થો સીઝ કરાયો હતો. જેમાં ઓનલાઇન પત્રક અને હાજર સ્ટોકની ચકાસણીમાં વિસંગતતા જોવા મળતા કાર્યવાહી હાથ ધરાઇ છે. પાટડી કન્ઝ્યુમર્સ સહકારી મંડળી લિ. સંચાલિત વાજબી ભાવની દુકાને આકસ્મિક ચેકીંગ દરમિયાન જથ્થામાં વધઘટ જોવા મળી હતી.

દુકાનમાં ગંદકી અને પુરવઠા જથ્થાની જાળવણીનો અભાવ જોવા મળ્યો
આ અંગેની પ્રાપ્ત વિગતાનુસાર પાટડી મામલતદાર પી.કે.મોઢવાડીયા અને એમની ટીમ દ્વારા પાટડી કન્ઝ્યુમર્સ સહકારી મંડળી લિ. સંચાલિત વાજબી ભાવની દુકાને આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં અગ્રતા ધરાવતા કુટુંબોની યાદી પ્રદર્શિત કરી નહોંતી, સ્ટોકપત્રક, ભાવપત્રક કે દુકાનમાં કેટલો જથ્થો ઉપલબ્ધ છે તે લખવામાં આવેલું નહોંતુ. વધુમાં દુકાનમાં ગંદકી અને પુરવઠા જથ્થાની જાળવણીનો અભાવ જોવા મળ્યો હતો.

ઓનલાઇન ડીજીટલ પત્રક અને વાજબી ભાવની દુકાન પર હાજર જથ્થામાં વધઘટ જોવા મળી
આ પ્રકારની ગેરરીતી સાથે ઓનલાઇન ડીજીટલ પત્રક અને વાજબી ભાવની દુકાન પર હાજર જથ્થામાં વધઘટ જોવા મળી હતી. ઘઉંનો જથ્થો ઓનલાઇન પત્રકમાં 1830 કિ.ગ્રા. અને દુકાનમાં હાજર 8893.84 કિ.ગ્રા, ચોખાનો જથ્થો ઓનલાઇન ડીજીટલ પત્રકમાં 3682 કિ.ગ્રા. બતાવવામાં આવ્યો હતો.

દુકાનમાં જે વધારે માલ હતો તે સીઝ કરવામાં આવ્યો
દુકાનમાં 11,334.25 કિ.ગ્રા. જથ્થો હતો. એજ રીતે ખાંડ 131.560 કિ.ગ્રા. બતાવાઇ હતી. તેની સામે દુકાનમાં 141.550 કિ.ગ્રા. ખાંડ જોવા મળી હતી. પરિણામે જે વધારે માલ હતો તે સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ પરવાનેદાર વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લેવા જિલ્લા પુરવઠા અધિકારીને દરખાસ્ત કરવામાં આવી હતી.

દુકાનદારો ઇ કૂપન આપતા નથી : લોકોની વ્યાપક ફરિયાદ
પાટડી શહેર તેમજ તાલુકાના ગામોમાં આવેલી વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારો ગ્રાહકોને ઇ-કૂપન કે બિલ આપતા જ નથી તેવી ફરિયાદ સાથે ગ્રાહકોને તોલમાપમાં પણ ઓછું અનાજ આવે છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. પુરવઠા વિભાગ દ્વારા આ ફરિયાદો અંગે પણ યોગ્ય તપાસ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...