ધાર્મિક:શ્રાવણ મહિનામાં રોજ દોઢ લાખથી વધુ બિલિપત્રનો શિવજીને અભિષેક થશે

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત: રોજ 5,000થી વધુ ધતૂરાનાં ફૂલ ભક્તો અર્પણ કરશે

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ સુદ-1ને શુક્રવારથી પ્રારંભ થનાર છે. જેની શરૂઆત સાથે શિવ આરાધનાના દિવસોમાં અનેક ભક્તો પૂજા-અર્ચના કરતા હોય છે. ત્યારે આ દિવસો દરમિયાન રોજ અંદાજે દોઢ લાખથી વધુ બિલિપત્રનો શિવજીને અભિષેક થશે. આ ઉપરાંત દૈનિક 5000થી વધુ ધતૂરાના ફુલ પણ અર્પણ કરાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આમ તો શ્રાવણ બાદના દિવસોમાં બિલિપત્રની માગ ખૂબ જ ઓછી રહેતી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે શ્રાવણ માસમાં જિલ્લામાં મોટી સંખ્યામાં ભક્તો શિવજીની આરાધના કરતા હોય છે.

બીજી તરફ જિલ્લામાં હોલસેલ-રિટેલના અંદાજે 25 જેટલા ફૂલ વેપારીઓ તેનો વ્યવસાય કરે છે. ત્યારે શ્રાવણ સુદ-1ને શુક્રવારથી શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે. પરિણામે આ વર્ષે રોજ 1,50,000થી વધુ બિલિપત્રનો શિવજીને અભિષેક થશે. શ્રાવણ માસમાં જ ખૂબ ઉપયોગી એવા બિલિપત્રના 108 નંગના રૂ. 50 હોવાનું બહાર આવ્યું હતું. જિલ્લામાં આજુબાજુના ગામડાઓ સહિત અમદાવાદ, રાજકોટ, થાન સહિતના સ્થળોએથી બિલિપત્ર વેપારીઓ પાસે આવે છે. જ્યારે શ્રાવણ માસમાં 1 નંગના રૂ. 5ના ભાવે મળતા દૈનિક 5000 નંગ ધતૂરાના ફૂલ પણ શિવજીને અર્પણ કરાશે.

બીજી તરફ જિલ્લામાં 1 કિલોના રૂ. 50ના ભાવે દૈનિક ફૂલ 1000 કિલોની વપરાશ હોય છે. જેની સામે શ્રાવણના દિવસોમાં તે વધીને કિલોએ રૂ. 80થી 100ના ભાવે 2500 કિલોએ પહોંચી જશે. આમ શ્રાવણ મહિનામાં ફૂલના વેચાણમાં દરરોજ 1500 કિલોનો વધારો અને ભાવ પણ બમણા થઇ જાય છે.

રૂ. 70થી 80 ના ભાવે દૈનિક 500 કિલો ગુલાબની માગ સામે શ્રાવણી દિવસોમાં તે વધીને 1 કિલોના રૂ. 120થી 150 ભાવે 1000 કિલોએ પર પહોંચી જશે. કમળ ફૂલની દૈનિક 1 નંગના રૂ. 5ના ભાવની 100ની સામે વધીને રૂ. 15ના ભાવે 500 સુધી વધી જશે. આ અંગે ફૂલોના વેપારી અશ્વિનભાઈ સી.રામી , ભાવેશભાઈ સી. રામી વગેરે જણાવ્યું કે બિલિપત્ર, ફૂલોની દૈનિક ખપતની સામે શ્રાવણ માસના દિવસોમાં વધુ રહે છે.

અન્ય સમાચારો પણ છે...