સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આગામી સમયમાં પ્રવેશ શરૂ થશે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા 6111 બાળકોને તેમના વાલીઓએ ખાનગી શાળામાંથી એલ.સી લઈને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. આની પાછળ ખાનગી શાળાઓની મોંઘી ફી અને કોરોના જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
છેલ્લા 3 વર્ષમાં 6111 બાળકોએ ખાનગીમાંથી સરકારીમાં પ્રવેશ લીધો
સુરેન્દ્રનગર જિલ્લાની 950થી વધુ સરકારી શાળાઓમાં 1.50 લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે આગામી સમયમાં આ શાળાઓમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાની છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો જિલ્લામાં 6111 બાળકોને તેમના વાલીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે. તેની પાછળ શાળાઓની મોંઘીદાટ ફી જવાબદાર છે. મોંઘીદાટ ફી ઉપરાંત શાળાઓ દ્વારા ફી લેવાનું વલણ પણ જવાબદાર માનવામાં આવે છે. હજુ આગામી વર્ષ 2022-2023નું શૈક્ષણિક કાર્ય પણ શરૂ થયું નથી, ત્યારે અમુક ખાનગી શાળાઓએ વાલીઓને ફી માટે ફોન કરવાનું પણ શરૂ કરી દીધું છે.
છેલ્લા થોડા વર્ષોથી સરકારી શાળાઓ પણ હાઇટેક બની ગઈ છે. સરકાર સરકારી શાળાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચીને બનાવી રહી છે. બીજી તરફ સરકારી શાળાઓના શિક્ષકો હાઈલી ક્વોલિફાઇડ હોય છે. જ્યારે ખાનગી શાળાઓના શિક્ષકો સરકારી શાળાના શિક્ષકો જેટલા ક્વોલિફાઇડ હોતા નથી, આથી પણ વિદ્યાર્થીઓનો સરકારી શાળા તરફ ધસારો જોવા મળે છે.
પોતાના સંતાનોને સારામાં સારું શિક્ષણ મળે તેવા ઉદ્દેશ સાથે વાલીઓએ બાળકોને ખાનગી શાળામાં બેસાડતા હોય છે. પરંતુ કોરોના આવતા અનેક પરિવારોના ધંધા-રોજગાર લોકડાઉનના લીધે મહિનાઓ બંધ રહ્યા હતા. હજુ પણ અમુક પરિવારો આર્થિક સંકટમાંથી બહાર આવી શકતા નથી. આથી ખાનગી શાળાઓની ફી ભરવા અસમર્થ હોય તેવા વાલીઓ પણ પોતાના બાળકોને ખાનગી માટે સરકારી શાળામાં બેસાડે છે.
સૌથી વધુ બાળકો વઢવાણમાં 603 અને સૌથી ઓછા 47 ચોટીલામાં નોંધાયા
છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ 2203 બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. તેમાં પણ સૌથી વધુ બાળકો સુરેન્દ્રનગર-વઢવાણના નોંધાયા છે. ત્યારે જિલ્લામાં સૌથી ઓછા બાળકો ચોટીલામાં 47 એવા છે કે જેમને સરકારી શાળામાં પ્રવેશ કર્યો છે. કોરોના કાળમાં સરકારી શાળાની કામગીરી સારી રહી હતી. આ અંગે શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના કાળમાં સરકારી શાળાઓની કામગીરી સારી રહી છે. ઓનલાઇન શિક્ષણની સાથે પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે કે શેરીઓમાં જ અભ્યાસ કરાવ્યો હતો. તો બીજી તરફ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળાના પરિણામો સારા આવતા વાલીઓ પ્રાથમિકથી પોતાના બાળકોને સરકારી શાળામાં મૂકી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.