રોગચાળો:જિલ્લામાં છેલ્લાં 10 માસમાં સરકારી ચોપડે 5 ડેન્ગ્યુ, 3 ચિકુનગુનિયાના કેસ

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં 17 શંકાસ્પદ ડેન્ગ્યુ, 15 ચિકુનગુનિયાના કેસ

સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ અને ચિકનગુનીયાના રોગચાળાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. મચ્છરોથી થતા આ રોગચાળાને લઇને સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં ભીડ થઇ રહી છે. તો બીજી તરફ ડેન્ગ્યુ માટે અમદાવાદ, રાજકોટ તેમજ ગાંધી હોસ્પિટલમાં ટેસ્ટ કરવામાં આવે છે. સરકારી ગાઇડ લાઈન પ્રમાણે એલીઝ સીરમ ટેસ્ટ બાદ તેનો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે કે ડેન્ગ્યુ પોઝિટીવ છે કે નેગેટિવ. જેના આધારે હાલ આરોગ્ય વિભાગના ચોપડે જાન્યુઆરી થી 31 ઓક્ટોબર સુધીમાં 332942 લોકોના લોહીના નમૂના લેવાયા હતા.

2021માં 167 દર્દીઓમાંથી 10ને ઝેરી મેલેરીયા તેમજ 157 લોકોને સાદા મેલેરીયા હોવાનું બહાર આવ્યુ હતુ. જ્યારે 2021 ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુ માટે 107 સીરમ સેમ્પલોના નમૂના લેવાતા 5 પોઝીટીવ આવ્યા હતા. અને આ સમયગાળા દરમિયાન ચિકનગુનિયા માટે 50 સીરમ સેમ્પલોમાંથી 3 કેસ ધ્યાને આવ્યા હતા.

બીજી તરફ જિલ્લાની શહેરી તેમજ તાલુકા મથકોની ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ સારવાર માટે જઇ રહ્યાં છે. જેને લઇને આવી હોસ્પિટલોમાં શંકાસ્પદ 17 જેટલા ડેન્ગ્યુ તેમજ 15 જેટલા ચિકનગુનીયાના દર્દીઓ હોવાનું બહાર આવ્યું હતું. જિલ્લામાં વધી રહેલા રોગચાળાને લઇને આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. જેને લઇને હાઉસ ટુ હાઉસ 400 માણસો 15 દિવસ સુધી સર્વેલન્સની કામગીરી ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત એક માસ સુધી વેકટર કંટ્રોલની 40 ટીમો કામ કરશે. જેમાં 400 અને 240 સહિત કુલ 640 માણસો આ કાર્યવાહીમાં જોડાશે.

આ ઉપરાંત જિલ્લાના અનેક રહેણાંક સહિતના વિસ્તારોમાં ગંદા પાણી ભરાવાથી તેમજ તેનો નિકાલ ન થતો હોવાથી તેના માટે પાલિકા,ગ્રામપંચાયત સહિતના જવાબદાર તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. જ્યારે સંચારી રોગ માટે કલેકટર, ડીડીઓ, આરોગ્ય વિભાગની ટીમો, ચીફઓફિસર સહિતના લોકોની બેઠક યોજાઇ જેમાં હાલમાં રોગચાળાને લઇને પગલા ભરવા સહિતની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.

મલેરિયા એનોફીલીસ મચ્છરથી ફેલાઇ છે. કેવી રીતે અટકાવી શકાય: બંધિયાર પાણીને વહેતુ કરી બંધિયાર પાણી વધુ પ્રમાણમાં હોય તો તેમાં પોરાભક્ષક માછલી નાંખો, સાંજે ઘરમાં લીમડાનો ધુમાડો કરો. જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરાય તો મલેરિયા અટકાવી શકાય.

ડેન્ગ્યુના લક્ષણો
ડેન્ગ્યુ તાવના મચ્છર ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. સખત તાવ આવે, આંખોના ડોળાની પાછળ દુ:ખાવો થાય. હાથ અને ચહેરા પર ચકામાં પડે. નાક, મોં તેમજ પેટમાંથી લોહી પડે તો ડેન્ગ્યુ હોઇ શકે ? આથી તાત્કાલીક ડોકટરની સલાહ મુજબ સારવાર લેવી. કારણ કે વહેલુ નિદાન અને સમયસરની સારવારથી ઝડપથી સાજા થઇ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...