આયોજન:જિલ્લામાં 80 વર્ષથી વધુના વડિલો અને દિવ્યાંગો ઘેર બેઠા મતદાન કરશે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર વડિલો અને દિવ્યાંગોના ઘરે જઇ તેમના મત લેશે
  • હાલ દરેક વિધાનસભા વિસ્તારમાં જે વડિલો કે દિવ્યાંગ બેલેટ પેપરથી મતદાન કરવા માંગે તેમના સંમતી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ

સુરેન્દ્રનગર જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના મતદારો અને દિવ્યાંગ મતદારો પોતાના ઘરેથી મતદાન કરી શકે તેવુ પ્રથમ વાર વિધાનસભાની ચૂંટણીમાં આયોજન કરાયુ છે. જેમાં હાલ દરેક વિધાનસભા વિસ્તારોમાં દિવ્યાંગ અને 80 વર્ષથી વધુવયના મતદારો જે ઘરેથી મતદાન કરવા ઇચ્છે છે તેમની પાસે સંમતી પત્ર ભરાવાઇ રહ્યા છે. ચૂંટણીમાં તેમના પાસે રૂબરૂ જઇ બેલેટ પેપરથી મતદાન કરાવાશે. જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન વધુમાં વધુ થાય તે માટે તંત્ર દ્વારા હાલ પ્રયાસ હાથ ધરવામાં આવે છે ત્યારે ઘણી વખત જિલ્લાના વૃધ્ધ લોકો અને દિવ્યાંગ લોકો ઘણી વખત ઉંમરના કારણે કે પછી બુથ સુધી જવાની સક્ષમતા ન હોવાના કારણે કે દિવ્યાંગ હોવાના કારણે મતદાનથી વંચીત રહી જતા હતા.

આથી આ વખતે તેમના મતદાન કરાવવા માટે પણ આયોજન કરાયુ છે. આથી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ 1543 મતદાન મથકોના વિસ્તારમાં આવતા દિવ્યાંગ મતદારો અને 80 વર્ષથી વધુની ઉમરના વડિલોની નોંધણી કરાઇ હતી. જેમાં હાલ કુલ 10,210 દિવ્યાંગ અને 26100 વૃધ્ધ 80 વર્ષથી વધુની વયના સામે આવ્યા હતા. જિલ્લામાં દરેક વિધાનસભા વિસ્તારના અધિકારી અને બીએલઓ દ્વારા દિવ્યાંગો અને મોટી ઉમરના વડિલો પાસે જો તેઓ બેલેટ પેપરથી મતદાન કરવા માંગતા હોય તેના માટે ફોર્મ ભરાવવામાં આવે છે.

જે વડિલો અને દિવ્યાંગોએ સંમતી ફોર્મ ભરશે તેમને ચૂંટણી અગાઉ બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવશે. જ્યારે જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં એક દિવ્યાંગ લોકો માટે ખાસ મતદાન મથક પણ ઉભુ કરાશે. જિલ્લામાં કોરોના પોઝીટીવ વ્યક્તિ મતદાન કરી શકે માટે તેમને પણ બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરાશે પરંતુ હાલ જિલ્લામાં કોઇ કોરોના પોઝીટીવ કેસ નથી.

લખતરના મતદારોને પણ ઘરે બેઠા મતદાન કરવા અંગેની જાણ કરાઈ
વિધાનસભાની ચૂંટણીમાં સૌપ્રથમવાર ઘરે બેઠા મતદાન કરવા અંગે વ્યવસ્થા કરાઇ છે.80 વર્ષથી વધુ વયનાં મતદારો તેમજ દિવ્યાંગ મતદારો ટપાલ મતપત્રથી મતદાન કરી શકશે.તેના માટે સર્વે સમયે 80 વર્ષથી વધુ વયનાં મતદારોએ ફોર્મ ભરીને આપ્યું હોય તેવા મતદારોને તંત્ર દ્વારા હાલમાં મતદાન અંગે લેખિત જાણ કરી હતી. તેમને ઘરે મતપત્ર વિતરણ કરવા, મતદાન કરાવવા તથા ડિલિવરી મેળવવા અધિકારી/કર્મચારીઓની ટીમ આવશે.

અન્ય સમાચારો પણ છે...