વિધાનસભા સંગ્રામ 2022:ભાજપના ઉમેદવારોની યાદીમાં 2 બેઠક પર ધારાસભ્યો પર કાતર ફરી : 1 રિપીટ, 1 મહિલા જ્યારે 3 નવા ચહેરા

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કિરીટસિંહ રાણા; ધોરણ-10 પાસ - Divya Bhaskar
કિરીટસિંહ રાણા; ધોરણ-10 પાસ
  • પાટીલે બુધવારે રાત્રે 2.30 વાગે જિલ્લાના ઉમેદવારોને ફોન કરીને કહ્યું, તમને ટિકિટ મળી છે... તૈયારી કરો...
  • જે લોકોને ફોન આવ્યા ન હતા તેઓ અકળાયા, અંદરખાને રોષ પણ બોલવા તૈયાર નથી
  • ભાજપે વઢવાણમાં મહિલા, લીંબડીમાં જૂના જોગી, પાટડીમાં સ્થાનિક, ચોટીલામાં અનુભાવી અને ધ્રાંગધ્રામાં ઉદ્યોગપતિને ઉતાર્યા

જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે ભાજપે બુધવારે મધરાતે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં. લીંબડીથી કિરીટસિંહ રાણા,ચોટીલાથી શામજીભાઇ ચૌહાણ,પાટડીમાં પી. કે. પરમાર, ધ્રાંગધ્રામાં મોરબીના ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરા અને વઢવાણ બેઠક પર જિજ્ઞાબહેન પંડ્યાને રાતે 2.30 વાગ્યાના અરસામાં સી. આર. પાટીલે ફોન કરીને કહ્યું કે તમને ટિકિટ મળી છે, તૈયારી કરો. ઉમેદવારોને લીલી ઝંડી મળી જતાંની સાથે જ મધરાતે ઉમેદવારો સમર્થકો, ટેકેદારોને ફોન કરવા લાગ્યા હતા. જિલ્લામાં ભાજપે આ વખતે લીંબડીમાં જૂના જોગીને તો ધ્રાંગધ્રામાં ઉદ્યોગપતિને પસંદ કર્યા છે. પાટડીમાં સ્થાનિકને ઉતાર્યા જ્યારે વઢવાણમાં મહિલાને અને ચોટીલાથી ચૂંટણી લડવાના અનુભવીને ટિકિટ આપીને જિલ્લાની તમામ 5 બેઠકો સર કરવાના લક્ષ્ય સાથે કામગીરી શરૂ કરી છે.

લીંબડી; મતવિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા કિરીટસિંહ રાણા 8 વાર ચૂંટણી લડ્યા છે, 5 વાર જીત્યા છે

પસંદગીનું કારણ શું: રાણા આ બેઠક પરથી અત્યાર સુધી 8 વાર લડી ચૂક્યા છે અને 5 વાર જીત્યા છે. પેટા ચૂંટણીમાં પણ તેઓ 32 હજારથી વધુ લીડથી જીત્યા હતા. લીંબડી-સાયલામાં પ્રભુત્વ છે.
2017નું પરિણામ: કૉંગ્રેસના સોમાભાઇએ વિજયી થયા પછી રાજીનામું આપી દેતાં પેટાચૂંટણી યોજાઇ હતી, જેમાં પણ ભાજપે કિરીટસિંહ રાણાને ટિકિટ આપી હતી. તેમની સામે કૉંગ્રેસના ચેતનભાઇ ખાચર હતા. પેટાચૂંટણીમાં કિરીટસિંહ રાણાનો 32 હજારથી વધુ મતથી વિજય થયો હતો.

પ્રકાશભાઈ વરમોરા;ધોરણ-12 પાસ
પ્રકાશભાઈ વરમોરા;ધોરણ-12 પાસ

ધ્રાંગધ્રા: પાટીદાર મતદારોને સાચવવા સાબરિયાને કાપ્યા, નવાસવા પાટીદાર ઉદ્યોગપતિને પસંદ કર્યા

પસંદગીનું કારણ શું: ધ્રાંગધ્રા વિસ્તારમાં પાટીદારોની નોંધનીય વસતી છે. જિલ્લામાં એક ટિકિટ પાટીદારને આપવી પડે તેમ હતું. આથી વર્તમાન ધારાસભ્ય સાબરિયાને કાપીને ઉદ્યોગપતિને પસંદ કર્યા.
2017નું પરિણામ: કૉંગ્રેસમાંથી પરસોત્તમ સાબરિયા સામે ભાજપના સોનાગરા જેરામભાઇ મેદાને હતા. આ ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર પરસોત્તમભાઇ સાબરિયાનો 13914 મતે વિજય થયો હતો. બાદમાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને પરસોત્તમભાઇ પેટા ચૂંટણી લડ્યા હતા, જેમાં ભાજપમાંથી જીત્યા હતા.

સામજીભાઈ ચૌહાણ;ધોરણ-11 ;પાસ
સામજીભાઈ ચૌહાણ;ધોરણ-11 ;પાસ

ચોટીલા: તાલુકાના લોકો સાથે સારો સંપર્ક ધરાવતા હોવાથી 17માં નારાજ થયેલા ચૌહાણને મનાવાયા

​​​​​​​​​​​​​​પસંદગીનું કારણ શું: સૈાથી વધુ કોળી મતદારો છે. સામજીભાઇએ શિવસેનામાંથી 2009ની પેટાચૂંટણી લડીને સારી તાકાત બતાવી હતી. આથી ભાજપે 2012માં ટિકિટ આપતાં જીત્યા હતા પરંતુ 2017માં કપાતાં નારાજ થયા હતા પરંતુ અત્યારે તેમનો તાલુકામાં સારો સંપર્ક હોઈ પસંદગી કરાઈ છે.
2017નું પરિણામ: 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઋત્વિક મકવાણા અને ભાજપના ઝીણાભાઇ ડેરવાડિયા વચ્ચે ખરાખરીના ખેલ હતા, જેમાં કૉંગ્રેસના ઋત્વિક મકવાણા 23887 મતે વિજયી જયા હતા.

જિજ્ઞાબેન પંડ્યા; અનુસ્નાતક
જિજ્ઞાબેન પંડ્યા; અનુસ્નાતક

વઢવાણ: ધનજીભાઈને રવાના કરી ભાજપે એક કાંકરે ત્રણ પક્ષી માર્યાં : જૈન અને બ્રાહ્મણ મતદારોને આકર્ષવા સાથે મહિલા મતદારોને પક્ષતરફી કર્યા

પસંદગીનું કારણ શું: વઢવાણ વિધાનસભાથી જીતેલા ધારાસભ્ય ધનજીભાઇ પટેલ પોતે 76 વર્ષના છે. પક્ષના નિયમ પ્રમાણે વધુ ઉંમરને કારણે તેમની ટિકિટ કપાવાની જ હતી. બીજી તરફ આ બેઠક ઉપર ઘણા ઉમેદવારો લાઇનમાં હતા પરંતુ વઢવાણ વિધાનસભામાં જૈનો અને બ્રાહ્મણોની પણ નોંધનીય વસતી હોવાથી આ સમીકરણને ધ્યાને રાખવા સાથે મહિલાને ટિકિટ આપવાની ગણતરીએ જિજ્ઞાબહેન પર પસંદગી ઉતારાઈ છે. જિજ્ઞાબહેન જૈન કુટુંબમાંથી આવે છે અને બ્રાહ્મણ જ્ઞાતિમાં લગ્ન કર્યાં છે. ઉપરાંત જિલ્લામાં એક બેઠક મહિલાને આપવાની હોઈ એક કાંકરે ત્રણ પક્ષી મારવા જિજ્ઞાબેનને વઢવાણથી ટિકિટ આપી.
2017નું પરિણામ: ભાજપે જૈન સમાજના ધારાસભ્યની ટિકિટ કાપીને પહેલી વાર જ પાટીદાર ઉદ્યોગપતિને ઉતાર્યા હતા. તેમની સામે કૉંગ્રેસે પણ પાટીદાર એવા મોહનભાઇને ટિકિટ આપતાં બે પાટીદાર વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં ધનજીભાઇ જીત્યા હતા.

પી. કે. પરમાર;સિવિલ એન્જિનિયર
પી. કે. પરમાર;સિવિલ એન્જિનિયર

પાટડી: હંમેશાં આયાતી ઉમેદવાર ઉતારાતાં ભાજપ સામે નારાજગી વ્યક્ત કરતી સ્થાનિક નેતાગીરીને મનાવવા પાયાના કાર્યકરને ટિકિટ ફાળવાઈ

​​​​​​​​​​​​​​પસંદગીનું કારણ શું: પાટડી વિધાનસભા એ અનુસૂચિત જાતિ માટે અનામત છે. ભાજપ આ બેઠક ઉપર મોટા ભાગે બહારના ઉમેદવારને ચૂંટણી લડાવતો હતો. કોઈ સ્થાનિક નેતાને ટિકિટ આપવામાં આવતી નહોતી. આથી સ્થાનિક નેતાઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત અત્યારે જેમને ટિકિટ આપી છે, તે પી. કે. પરમાર પાટડીના રાજકારણમાં વર્ષોથી સક્રિય છે. જિલ્લા પંચાયતની સીટ પરથી તેઓ ચૂંટાયેલા છે. આ વખતની ચૂંટણીમાં પણ તેમના પરિવારના સભ્ય જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયા હોઈ સ્થાનિક મજબૂત નેતા માનીને ભાજપે પી. કે. પરમારને ટિકિટ આપી છે.
2017નું પરિણામ: 2017ની ચૂંટણીમાં પાટડી બેઠક ઉપર કૉંગ્રેસના નૌશાદભાઇ સોલંકી અને ભાજપના દિગ્ગજ નેતા રમણલાલ વોરા વચ્ચે જોરદાર ટક્કર હતી, જેમાં ભાજપના રમણલાલની હાર થઇ હતી અને કૉંગ્રેસના નૌશાદભાઇ સોલંકીની 3728 મતે જીત થઇ હતી.

દાવેદારો મંગળવારે મોડી રાત સુધી ટીવી સામે ગોઠવાયેલા હતા
​​​​​​​રાજ્યના અન્ય જિલ્લાઓની સાથેસાથે સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે ભાજપ મંગળવારે રાત્રે 10 વાગ્યા પછી ઉમેદવારોનાં નામ જાહેર કરે તેવી વાતો વહેતી થતાંની સાથે જ જિલ્લામાં ભાજપમાંથી ઉમેદવારી માટે દાવેદારી કરનારા અને તેમના ટેકેદારોથી લઈને લોકો રાત્રીના 10 વાગ્યાથી ટીવી સામે બેસી ગયા હતા. ટીવીમાં સંભવિતોનાં નામ આવતાં હતાં પરંતુ ફાઇનલ નામની જાહેરાત ન થતાં લોકો અકળાયા હતા. વોટ્સ અપમાં એકબીજાને નામો વિશે પૂછપરછ કરી રહ્યા હતા. જોકે મોડી રાતે પાટીલે ઉમેદવારોને ફોનથી જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...