ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે, ઝાલાવાડમાં પતંગ રસીયાઓએ તૈયારી શરૂ કરી દીધી છે. જોકે, આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં 25થી 30 ટકાનો ભાવમાં વધારો થયો છે. કાચા માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ ભાવમાં વધારો કર્યો છે. ત્યારે મોંઘવારીના માર સાથે કોરોના ઈફેક્ટથી ઉત્તરાયણનું પર્વ ફિક્કુ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
પતંગ રસીયાઓનો પ્રિય તહેવાર ઉતરાયણ નજીક આવી રહ્યો છે. મોંઘવારીનો માર તહેવારોને પણ સ્પર્શી રહ્યો છે. આ વર્ષે ઉતરાયણ પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતીંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે.
આ અંગે બજારના વર્તુળો જણાવે છે કે, ઉત્તરાયણના તહેવાર પ્રસંગે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ પતંગ-દોરાના ભાવમાં તોતિંગ વધારો થયો છે. પતંગના ભાવમાં આ વર્ષે 25થી 30 ટકાનો વધારો થયો હોવાનું તથા દોરાના ભાવમાં ફિરકીએ રૂ 100નો વધારો થયો હોવાનુ જાણવા મળ્યુ છે.
વેપારીઓના કહેવા મુજબ પતંગના માલની અછત છે. ચાઈનાથી કાગળની આયાત બંધ થઈ જતા ભારતમાં કાગળના ભાવો આસમાને છે. તેથી પતંગના ભાવમાં 25થી 30 ટકાનો વધારો જોવા મળે છે. તેવી જ રીતે બ્રાન્ડેડ દોરીના ભાવમાં પણ (બે હજાર વારની ફિરકીના ભાવમાં) 100 થી 150નો વધારો થયો છે.
કોરોના કાળમાં મોંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમ વર્ગ માટે ઉત્તરાયણમાં પતંગની મજા માણવાનું મોંઘુ બનશે. હાલ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે. પણ ઘરાકી નહિંવત જોવા મળી રહી છે. ઉતરાયણમાં પતંગની સાથો સાથ દાન-પુણ્યનુ મહત્વ હોય છે. ત્યારે મહાજન સંસ્થાઓ ગૌશાળાઓને મોટા પાયે દાન મળતુ હોય છે. પણ ચાલુ વર્ષે મોંઘવારીએ માઝા મુકી હોવાથી દાનનો પ્રવાહ ઘટે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. લોકો કહે છે કે, ઉત્સવપ્રિય સરકારમાં જનતા માટે તહેવારો ઉજવવાનુ કપરૂ બની રહ્યું છે તે સામાન્ય પ્રજાજનોની કમનસીબી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.