સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાનમા રાખી કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સાંસદ ડૉ. મહેન્દ્ર મુંજપરાએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ધનજી પટેલ, જિલ્લા કલેકટર એ.કે. ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ચોટીલા ખાતેની રેફરલ હોસ્પીટલમાં 45 બેડ ઉભા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ચોટીલાના નાયબ કલેક્ટર આર.બી.અંગારીએ અધિકારીઓ સાથે બેઠક યોજી માસ્ક, સોશ્યલ ડિસ્ટનસની ગાઈડલાઈનનું કડક પાલન કરાવવા તેમજ લોકોને આ અંગે જાગૃત કરવા અધિકારીઓને સુચના આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં હવે કોરોના કેસનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. સોમવારે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 78 થઈ છે. જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમા રાખી કેન્દ્રીય રાજ્ય મંત્રીએ જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી.
આ અંગેની વધુમાં મળતી વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા ચિંતા વધી છે. આર.ટી.પી.સી.આર. ટેસ્ટ અને 312 એન્ટીજન ટેસ્ટ મળીને કુલ 2251 ટેસ્ટ લેવામાં આવ્યાં હતા. જેમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટમાં બે અને એન્ટીજન ટેસ્ટમાં 14 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. આ 16 કેસમાં વઢવાણ તાલુકામાં 7 કેસ, લીંબડી તાલુકામાં 5 કેસ, ધ્રાંગધ્રા તાલુકામાં 1 કેસ અને લખતર તાલુકામાં 3 કેસ પોઝિટિવ નોંધાયા હતા. તમામ પોઝિટિવ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.