કોરોના બેકાબૂ:સુરેન્દ્રનગરમાં આજે સવારે વધુ 16 કેસ નોંધાતા કલેક્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોની મુલાકાતે દોડી ગયા

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં આજે સવારે વધુ 16 કેસ નોંધાતા કલેક્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોની મુલાકાતે દોડી ગયા - Divya Bhaskar
સુરેન્દ્રનગરમાં આજે સવારે વધુ 16 કેસ નોંધાતા કલેક્ટર કન્ટેન્ટમેન્ટ વિસ્તારોની મુલાકાતે દોડી ગયા
  • આરોગ્ય સચિવે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સ યોજી જિલ્લા કલેક્ટરને કોરોના બાબતે તકેદારી રાખવા સાવચેત કર્યા
  • કન્ટેટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તે વિસ્તારોમાં કડક અમલ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી

સુરેન્દ્રનગરમાં આજે સવારે કોરોનાના વધુ 16 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાગ્રસ્ત એક દર્દીનું શહેરની મેડિકલ કોલેજમાં મોત થયું છે. જિલ્લામાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેવા સંજોગોમાં ગઈ કાલે જિલ્લામાં 42 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં વઢવાણમાં 14 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજે વહેલી સવારે પણ જિલ્લામાં 16 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે અને એક દર્દીનું મોત નિપજ્યુ છે.

જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઇ જિલ્લા પ્રશાસન વિભાગ પણ સતર્ક બન્યું છે સાથે જિલ્લા કલેકટર પણ સતર્ક બન્યા છે. આજે વહેલી સવારે પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર રતનપર અને જોરાવરનગર વિસ્તારની મુલાકાતે દોડી ગયા છે. જે વિસ્તારમાં કોરોના વધુ કેસો છે. તે વિસ્તારની મુલાકાત લઇ કન્ટેન્મેન્ટ ઝોનમાં વધુ કડકાઇથી અમલ કરાવવા માટે આરોગ્યની ટીમ તથા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર અને પ્રશાસન વિભાગ દ્વારા નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ અટકાવવાના પગલાં જિલ્લામાં હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેને ધ્યાને લઈ રાજયમાં કોરોનાના સંક્રમણને અટકાવવા ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા નવા હુકમ અન્વયે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટી એન.ડી.ઝાલાએ એક જાહેરનામુ પ્રસિદ્ધ કરી જિલ્લાના તમામ વિસ્તારોમાં કેટલાક નિયંત્રણો ફરમાવ્યા છે.

આ જાહેરનામામાં જણાવ્યાં અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહતમ 150 વ્યક્તિ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 % (મહતમ 150 વ્યક્તિઓની મર્યાદામા) વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે.

લગ્ન માટે ખુલ્લામા મહતમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 % (મહતમ 150 વ્યક્તિઓની મર્યાદામા) વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 100(સો) વ્યકિતઓની મંજુરી રહેશે. પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી. બસ સેવાઓ 75 % ક્ષમતા સાથે (Standing not allowed) જયારે એ.સી. બસ સેવાઓ મહતમ 75 % પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્ફયુથી મુકિત આપવામાં આવે છે. સિનેમા હોલ બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે. જીમ સમાવેશ ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ ક્ષમતાના મહતમ 50 % સાથે ચાલુ રાખી શકાશે. વાંચનાલયો બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે. ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રીના 10 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

ધો.9 થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટયુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહતમ 50 % વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.

શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરિક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત એસઓપી સાથે યોજી શકાશે. સ્પોર્ટસ કોમ્પલેક્ષ/સ્પોર્ટસ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે. ઉપરોકત તમામ આર્થિક પ્રવૃતીઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે. રાત્રી કર્ફયુના સમયગાળા દરમિયાન બિમાર વ્યકિત, સર્ગભાઓ, અશકત વ્યકિતઓને સારવાર માટે અટેન્ડેન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.

મુસાફરોને રેલવે, એરપોર્ટ કે સીટી બસની ટીકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની છૂટ રહેશે. રાત્રિકર્ફયુના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહિ. આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવર જવર દરમિયાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યકિતઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતા કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની છૂટ રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યકિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

રાત્રિકર્ફયુના સમયગાળા દરમિયાન સેવાઓ/પ્રવૃતીઓ ચાલુ રાખી શકાશે. કોવિડ-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ. મેડીકલ, પેરા મેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ. ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા. ઈન્ટરનેટ/ટેલીફોન/મોબાઈલ પ્રોવાઈડર/આઈટી અને આઈટી સંબંધિત સેવાઓ ચાલુ રહેશે.

પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન. પ્રેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./ સી.એન.જી./ પી.એન.જી. ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોટેશન અને ડીસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ. પોસ્ટ અને કુરિયર સર્વિસ. ખાનગી સિક્યુરીટી સેવા. પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ. કૃષિ કામગીરી, પેસ્ટ ક્ધટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા. ઉક્ત તમામ આવશ્યક ચીઝ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ. આંતર રાજ્ય, આંતર જિલ્લા અને આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઇ-કોમર્સ સેવાઓ ચાલુ રહેશે.

તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃતિઓ ચાલુ રહેશે જે દરમિયાન કોવિડ-19 સંબંધિત માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

જરૂરી પગલાં ભરવા અનુરોધ કરાયો

જિલ્લામાં સતત કોરોનાવાયરસના પોઝિટિવ કેસ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર સાથે આરોગ્ય સચિવ વહેલી સવારે વીડિયો કોન્ફરન્સ યોજી છે. જિલ્લામાં કોરોના બાબતે જિલ્લા કલેકટરને વિવિધ પ્રકારના સૂચનો આરોગ્ય સચિવ દ્વારા આપવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા જરૂરી પગલાં ભરવા પણ જિલ્લા કલેક્ટરને અનુરોધ આરોગ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યો છે.

26 નવા ધન્વંતરી રથ કાર્યરત કરાયા

જિલ્લામાં કોરોનાના કેસ મામલે આરોગ્યતંત્રની પણ ચિંતામાં વધારો થયો છે કારણ કે જિલ્લામાં અત્યાર સુધીમાં છેલ્લા દસ દિવસમાં 123 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાય ચુક્યા છે. મોટાભાગના કોરોનાના કેસોના દર્દીને હોમ આઇસોલેશન રાખી અને સારવાર આપવામાં આવી રહી છે. 26 નવા ધન્વંતરી રથ તાત્કાલિક કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં આરોગ્યની ડોક્ટરી અને નર્સિંગ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.

પ્રથમ દિવસે 2136 પ્રિકોશન ડોઝ અપાયા

રાજ્યમાં કોવિડ-19ની રસીકરણ કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ દિવસે 2,136 પ્રિકોશન ડોઝ અપાયા છે. જે અન્વયે ચોટીલા તાલુકામાં 40, ચુડા તાલુકામાં 279, ધ્રાંગધ્રા તાલુકામાં 235, લખતર તાલુકામાં 71, લીંબડી તાલુકામાં 83, મુળી તાલુકામાં 127, પાટડી તાલુકામાં 584, સાયલા તાલુકામાં 163, થાનગઢ તાલુકામાં 37 અને વઢવાણ તાલુકામાં 517 મળી કુલ 2,136 ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...