ઝાલાવાડમાં ભરઉનાળે પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે 11 જળાશયો બનાવવામાં આવ્યા છે. ચોમાસામાં ગત વર્ષે 150 ટકા વરસાદ થતાં જળાશયો છલકાઇ ગયા હતા. પરંતુ સાત મહિનાના સમયમાં જ 11 ડેમમાં માત્ર 22.87 ટકા જ પાણીનો જથ્થો રહેતાં ગ્રામજનો માટે પીવાના પાણીની મુશ્કેલી સર્જાઇ છે.
વર્ષો પહેલા સુકા મલક તરીકે જાણીતા સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના નીર આવતાં પાણીની મુશ્કેલીમાં થોડી ઘણી રાહત થઇ છે. છતાં જ્યાં નર્મદાના નીર નથી પહોંચતા તેવા મૂળી, સાયલા, ચોટીલા સહિતના કેટલાક તાલુકાના લોકોને ઉનાળાના સમયમાં પાણી માટે રઝળપાટ કરવાની કફોડી સ્થિતી સર્જાતી હોય છે. આવા સમયે ચોમાસાના પાણીના સંગ્રહ માટે જિલ્લામાં બનાવેલા 11 જળાશયો ગામડાના લોકોની તરસ છીપાવવા માટે મહત્વના બનતા હોય છે.
ગત વર્ષે જિલ્લામાં ચોમાસાના સમયમાં 150 ટકા વરસાદ થયો હતો અને આથી જ જળાશયો છલકાઇ જતાં આ વર્ષે પાણીની મુશ્કેલી નહી સર્જાય તેવી આશા હતા. પરંતુ ચોમાસાના 7 મહિના જેટલો સમય થતાની સાથે જ જિલ્લાના જળાશયોના તળીયા દેખાવા લાગ્યા છે. વર્તમાન સમયે જળાશયોમાં માત્ર 22.87 ટકા જ પાણી રહેતા આકરા ઉનાળાના તાપમાં ગ્રામજનોને પાણીની મુશ્કેલી સર્જાઇ રહી છે. 11 જળાશયોમાંથી 8 જળાશયોનું પાણી સીંચાઇ માટે આપવામાં આવે છે. આ ડેમમાં પણ પાણી સુકાઇ જતા ખેડૂતોને સીંચાઇ માટેના પાણીની પણ મુશ્કેલી સર્જાઇ છે.
મહત્વની બાબત એ છે કે, જ્યાં નર્મદાના નીર નથી પહોંચતા તેવા ગામોમાં આવેલા મોરસલ, નિંભણી, વાસલ, સબુરી, ધારી આ પાંચ જળાશયો તો સાવ ખાલી થઇ ગયા છે. આથી આ ડેમની અંડરમાં આવતા ગામના લોકોને પાણી માટે બોર, કુવા કે પાણીના ટેન્કરના સહારે રહેવાની સ્થિતી આવી ગઇ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી પહોંચાડતા ધોળીધજા ડેમમાં પણ માત્ર 50 ટકા જ પાણી રહેતાં શહેરી વિસ્તારોમાં પણ પાણીની સ્થિતી વિકટ બને તેવી સ્થિતી સર્જાઇ છે.
ઝાલાવાડના 11 ડેમમાં માત્ર 22.87% જ પાણીસાયલા તાલુકાના મોરસલ ગામના ડેમમાં પાણી બિલકુલ ન રહેતાં પશુપાલકો બકરીઓને ચારો ચરવા માટે ડેમમાં લઇ ફરતા થઇ ગયા હતા. જિલ્લાના જળાશયોમાં પાણી સુકાઇ ગયા છે, ત્યારે થોરીયાળી ડેમ ખાલી થઇ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.