સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટી પાસે જૂની અદાવતમાં એક આધેડની ક્રુરતાપૂર્વક હત્યા નિપજાવાતા ચકચાર મચી છે. પાંચ વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ સગાભાઈઓએ મળી આધેડની હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હત્યારાઓએ ક્રુરતા પૂર્વક તીક્ષણ હથિયારોના ઘા મારી મૃતકનો એક હાથ પણ કાપી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સામાજિક પ્રસંગમાંથી પરત આવી રહેલા આધેડનું ઢીમ ઢાળી દેવાયું
સુરેન્દ્રનગરમાં રહેતા મહેબુબ મુલતાની ગતરાત્રિએ એક સામાજિક પ્રસંગમાં જમાવા માટે ગયા હતા. ત્યાં દિલીપસિંહ, ચેતનસિંહ અને રવિવાજ સિંહ નામના ત્રણ ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રિના સમયે જ ત્રણેય ભાઈઓ તીક્ષણ હથિયારો લઈને મહેબુબના ઘર પાસે પહોંચ્યા હતા અને ક્રુરતાપૂર્વક મહેબુબ પર તૂટી પડ્યા હતા. આરોપીએએ એ હદે હુમલો કર્યો હતો કે મહેબુબનો એક હાથ પણ કપાઈ ગયો હતો.
જૂની અદાવતમાં હત્યાનો બનાવ બન્યો
સુરેન્દ્રનગરમાં રહેતા મહેબુબ મુલતાનીને પાંચ વર્ષ પહેલા દિલીપસિંહ જોરુભા ઝાલા, ચેતનસિંહ જોરુભા ઝાલા અને રવિરાજસિંહ જોરુભા ઝાલા નામના ત્રણ ભાઈઓ સાથે ઝઘડો થયો હતો. જે તે સમયે મહેબુબ મુલતાની સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો હતો.
મૃતકની પત્નીને પણ ઈજા પહોંચી
સુરેન્દ્રનગરમાં ગતરાત્રિએ બનેલા આ બનાવમાં મૃતક મહેબુબની પત્નીને પણ ઈજાઓ પહોંચી હતી. પોલીસે તેમની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ હત્યાને અંજામ આપનારા ત્રણેય ભાઈઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.