જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સર્કિટ હાઉસ, સુરેન્દ્રનગર ખાતે પાણી પુરવઠા, સિંચાઈ, સૌની યોજના, વાસ્મો, સુજલામ સુફલામ અને અન્ન, નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ વિવિધ વિભાગોની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં મંત્રીએ જિલ્લાના વિવિધ ગામો જેમ કે, સાયલા તાલુકામાં સોખડા, ઢિંકવાળી, લિંબડી તાલુકામાં ઊંટડી, પાણસીણા, ફુલગ્રામ, ચોટીલા તાલુકાના ગુંદાળા, રાજપરા, થાનગઢ તાલુકાના વિજળીયા, મનડાસર સહિતના ગામોમાં પાણીના વિવિધ પ્રશ્નો અંગે વિગતવાર માહિતી મેળવી અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. ઉનાળાને ધ્યાનમાં લઈને ઉનાળા દરમિયાન જિલ્લાના દરેક વિસ્તારમાં પાણી પુરવઠો નિયમિત મળી રહે તે માટેના આયોજનની વિગતો મેળવી હતી. અનિયમિત પાણી પુરવઠો ધરાવતા વિસ્તારોમાં સમસ્યાના મૂળમાં જઈ સંબંધિત ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવા માટે જણાવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં ડેમોની સ્થિતિ, પાણી પુરવઠા યોજનાના કામો, વાસ્મો વગેરેના કામો ચાલુ થવાનાં બાકી હોય તેનો વિગતવાર અહેવાલ મેળવી વિસ્તૃત નિર્દેશો કર્યા હતા. દસાડા તાલુકાના નાના રણમાં અગરિયાઓને જરૂરી પાણી પુરવઠો નિયમિત મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે પુરવઠા વિભાગને અનાજ વિતરણ અંગે આકસ્મિક ચેકિંગ હાથ ધરવા અને ઘટની ફરિયાદો ન આવે તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં વઢવાણ પ્રાંત અધિકારી દિપેશ કેડિયા, પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર એમ.જી.ઠાકુર, વાસ્મો યુનિટ મેનેજર આર.એમ.પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારી/ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.