ખેડૂતોને સારા વરસાદની આશા:સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે આગોતરા વાવેતરમાં ત્રણ ગણો વધારો, ખેડૂતોએ 18,825 હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સૌથી વધુ ધ્રાંગધ્રા તાલુકામાં 12 હજાર હેક્ટરમાં વાવણી, વરસાદની મીટ માંડીને બેઠેલા ખેડૂતો
  • જિલ્લામાં ખેડૂતો ચોમાસુ સીઝનમાં મુખ્ય પાક તરીકે કપાસનું મોટા પાયે વાવેતર કરે છે

મોટાભાગના ખેડૂતો ભીમ અગિયારસને પોતાના ખેતરમાં શુકનવંતુ ગણાવી અને આગોતરૂ વાવેતર કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ખેડૂતો આગોતરૂ વાવેતર કરવા લાગ્યા છે. જિલ્લામાં 18,825 હેક્ટરમાં કપાસનું આગોતરૂ વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે 1000 આસપાસ રહેલા કપાસના ભાવ આ વર્ષે 2000થી ઉપર પ્રતિ મણ પહોંચી ગયા હતા. કપાસના આગોતરા વાવેતરમાં ધ્રાંગધ્રા તાલુકો સૌથી આગળ છે. ધ્રાંગધ્રામાં 12 હજાર હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું. વર્ષ 2021ના 6140 હેકટરની સામે અત્યાર સુધીમાં 18,825 હેકટરમાં આગોતરૂ વાવેતર થયુ છે.

કપાસના ભાવ સારા રહેતા ખેડૂતો ફરી કપાસ તરફ વળ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ચોમાસુ સીઝનમાં મુખ્ય પાક તરીકે કપાસનું મોટા પાયે વાવેતર કરે છે. ત્યારે આ વર્ષે કપાસના ભાવ સારા એવા મળતા અન્ય વાવેતર કરતા ખેડૂતો પણ કપાસ તરફ વળ્યા છે. ગત વર્ષ 2021માં અત્યાર સુધીમાં 6140 હેકટરમાં કપાસનું વાવેતર થયુ હતુ. તેની સામે આ વર્ષે 3 ગણુ એટલે કે, 18,825 હેકટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યુ છે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ કપાસના આગોતરા વાવેતરનો જુગાર તો ખેલ્યો છે અને હવે ખેડૂતો વરસાદની મીંટ માંડીને બેઠા છે.

ચાલુ વર્ષે કપાસનો ભાવ 2000થી પણ વધુ
સુરેન્દ્રનગર જિલ્લો 3 સફેદ વસ્તુઓ માટે વિશ્વભરમાં જાણીતો છે. ઝાલાવાડ કપાસ, દુધ અને મીઠાના ઉત્પાદનમાં અગ્રેસર છે. ઝાલાવાડના ખેડૂતો કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો કપાસ છોડીને અગાઉ અન્ય વાવેતર તરફ વળતા હતા. ત્યારે ચાલુ વર્ષે કપાસના ભાવ સારા એવા ખેડૂતોને મળ્યા છે. ચાલુ વર્ષે કપાસનો ભાવ રૂપિયા 2000થી પણ વધી ગયો હતો. અગાઉના સમયમાં જયારે 900-1000 આસપાસ કપાસનો પ્રતિ મણ ભાવ રહેતો હતો. ત્યારે આ વર્ષે કપાસના સારા એવા દામ મળતા ફરી ખેડૂતો કપાસના વાવેતર તરફ વળ્યા છે.

સારા વરસાદના એંધાણને લીધે ખેડૂતોએ આગોતરૂ વાવેતર કર્યુ
વર્ષ 2021ના ચોમાસુ વાવેતરની વાત કરીએ તો જૂન માસની શરૂઆતમાં એટલે કે, વરસાદ આવ્યા પહેલા જ જિલ્લાના ખેડૂતોએ 6140 હેકટર જમીનમાં કપાસનું આગોતરૂ વાવેતર કરી દીધુ હતુ. ત્યારે આ વર્ષે અત્યાર સુધીમાં આ વાવેતર 3 ગણુ થઈ ગયુ છે. અત્યાર સુધીમાં જિલ્લાના ખેડૂતોએ 18,825 હેકટર જમીનમાં કપાસનું આગોતરૂ વાવેતર કરી દીધુ છે. કપાસના ચાલુ વર્ષે સારા ભાવ મળતા અને સારા વરસાદના એંધાણને લીધે ખેડૂતોએ કપાસનું આગોતરૂ બમ્પર વાવેતર કર્યુ છે. જિલ્લામાં થયેલા કપાસના આગોતરા વાવેતર પર નજર કરીએ તો સૌથી વધુ વાવેતર ધ્રાંગધ્રા તાલુકામાં 12 હજાર હેકટર જેટલુ થઈ ગયુ છે. ત્યારે ખેડૂતો સારા વરસાદની આશા રાખીને બેઠા છે.

વરસાદ ખેંચાય તો સીંચાઈ માટે પાણીની જરૂર રહે
આ અંગે ખેડૂત રાજુભાઈ કરપડાએ જણાવ્યુ કે, સારા વરસાદની આશાએ ખેડૂતોએ હાલ કપાસનું આગોતરૂ વાવેતર કરી દીધુ છે. ઉનાળુ પાક માટે સીંચાઈ માટે પાણી આપવાની સરકારે ના પાડી દીધા બાદ હજુ ચોમાસામાં પણ સીંચાઈ માટે કેનાલોમાં પાણી વહેડાવવામાં આવ્યુ નથી. ત્યારે જો આ વર્ષે વરસાદ ખેંચાશે તો ખેડૂતોને સીંચાઈના પાણીની તાતી જરૂરીયાત ઉભી થાય તેમ છે. અને સરકારે આ બાબતે વિચારીને કેનાલમાં સીંચાઈ માટે પાણી છોડવુ જોઈએ.

ગત ચોમાસામાં કપાસનો પાક ફેઈલ થયો હતો
ઝાલાવાડમાં વર્ષ 2021ના ચોમાસામાં મેઘરાજા અનીયમીત રીતે વરસ્યા હતા. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ આવ્યા બાદ અંદાજે 2 માસ જેટલો સમય વરસાદ જ પડયો ન હતો અને ત્યારબાદ ચોમાસાના અંતે ફરી મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. આમ અનીમયીત વરસાદને લીધે ખેડૂતોને કપાસના વાવેતર પર પાણી ફરી વળ્યુ હતુ અને ખેડૂતોએ અન્ય પાકના વાવેતર કરવા પડયા હતા.

મગફળીનું વાવેતર પણ વધ્યુ
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા આ વર્ષે કપાસનું આગોતરૂ વાવેતર વધ્યુ છે. અને ગત વર્ષ કરતા હાલ 3 ગણુ કપાસનું વાવેતર થઈ ગયુ છે. ત્યારે કપાસની સાથો સાથ જિલ્લામાં મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. ઝાલાવાડમાં ગત વર્ષ 2021માં જુન માસની શરૂઆતમાં 1380 હેકટરમાં મગફળીનું વાવેતર થયુ હતુ. જેની સામે આ વર્ષે જુન માસની શરૂઆતમાં 2650 હેકટરમાં મગફળી વવાઈ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...