સુરેન્દ્રનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં જમીન મામલે ધોળા દિવસે યુવકને જાહેરમાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 3 હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટના રોડ ઉપર એક જ જ્ઞાતિના વ્યક્તિઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની વિગતો બહાર આવી છે.
સુરેન્દ્રનગરમાં લાખો રૂપિયાની જમીન બાબતે ધીંગાણું થયું હોવાની વિગતો સામે આવી છે. જેમાં આ ઝઘડામાં ત્રણથી વધુ લોકોએ છરી વડે હુમલો કર્યા હતો. આ ઘાતક હુમલા બાદ 2 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી અને અન્ય એક યુવકનું મોત નિપજ્યું હતું. આ હત્યાની ઘટનાની જાણ થતાં DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસે મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધી હોસ્પિટલમાં ખસેડી હતી. જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 3 હત્યાના બનાવથી સમગ્ર પથંકમાં ચકચાર મચી છે.
મૃતકના કાકાએ બી-ડિવિઝનના 2 પોલીસ અને અન્ય 2 વ્યકિત સામે આક્ષેપ કર્યો હતો
મૃતકના કાકાએ એવો આક્ષેપ કર્યો હતો કે આ જમીનનો અમારી પાસે દસ્તાવેજ છે. અને આથી જ અમે બી ડિવિઝનમાં અરજીઓ આપવા માટે ઘણી વાર ગયા હતા. ત્યાંથી અમને સહકાર મળતો ન હતો. બી ડિવિઝનના રાજેન્દ્રસિંહ ટાંક અને હિંમતભાઇએ જ વરંડાને દીવાલ ચણાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે નાથુ રામજી ટમાલિયા તથા હાર્દિક રઘુભાઇ રબારી સામે પણ આક્ષેપ કર્યા હતા.
મૃતકના કાકા જમીનનું પગીપણુ કરતા હતા
ઘનશ્યામનગરમાં જે જમીન આવેલી છે બાબતે પોલીસે વિગતો આપતા જણાવ્યુ હતુ કે મરનારના કાકા આ જગ્યાનું પગી પણુ કરતા હતા.અને અને આથી જ બંને પરિવાર વચ્ચે જમીનને લઇને તકરાર ચાલતી હતી.
અગાઉ પણ બે-ત્રણવાર બોલાચાલી થઇ હતી
2 વર્ષથી વચ્ચે ચાલતા જમીનના વિવાદમાં અગાઉ પણ બંનેના પરિવારજનો વચ્ચે બોલાચાલી થઇ હતી. મામલો પોલીસ મથકે પણ પહોચ્યો હતો. પરંતુ ત્યાર બાદ થોડુ શાંત થઇ જતા મામલો થાળે પડતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.