કાર્યવાહી:સુરેન્દ્રનગરમાં વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચી ભાગનાર બાઇક ચાલક પકડાયો

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસમાં જ ચેઇન સ્નેચર પોલીસના સાણસામાં આવી ગયો
  • બી-ડિવીઝન ટીમે સોનાનો ચેઇન, બાઇક સહિત રૂ. 50,000નો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર શહેરમાં તા. 29 એપ્રિલના ધોળા દિવસે વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરીને બાઇકચાલક ફરાર થતા પોલીસતંત્ર દોડતુ થઇ ગયુ હતુ. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસ ટીમે મંગળવારે ચેઇન સ્નેચીંગનો ગુનો કરનાર આરોપીને રૂ. 50,000ના મુદામાલ સાથે દબોચી લીધો હતો. સુરેન્દ્રનગર શહેરમાં તા. 29 એપ્રિલના બપોરના સમયે વિમલનાથ સોસાયટીમાં રહેતા 62 વર્ષના ભગવતીબેન રતીલાલ માલવણીયા જૈન ઉપાશ્રયથી ઘરે પરત ફરતા હતા.

આ દરમિયાન એક અજાણ્યો બાઇકચાલક તેમની પાસે આવીને હિતેષભાઈનું મકાન ક્યા આવેલુ છે તેમ કહીને તેમના ગળામાંથી રૂ 30,000ની કિંમતનો સોનાનો લઇ ફરાર થઇ ગયો હતો. આથી આ બનાવ અંગે ભગવતીબેન માલવણીયાએ બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડકોન્સ્ટેબલ ગણપતભાઈ બી.દેવથળા ચલાવી રહ્યાં હતાં. આ ગુનાના આરોપીને ઝડપા માટે ડિવાયએસપી એચ.પી.દોશીની સૂચનાથી પીએસઆઈ આર.જી.ઝાલાના માર્ગદર્શન નીચે બી-ડિવીઝન ટીમે નેત્રમની ટીમના મદદથી બનાવવાળા સ્થળના આસ-પાસના સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કર્યો હતો.

આ ઉપરાંત ટેકનીકલ સોર્સની મદદથી નોંધાયેલા ગુનાનુ વર્ણન કરવામાં આવેલા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવામાં આવી હતી. જેમાં એક શખ્સની પૂછપરછ કરતા આ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. આ શખ્સની પૂછપરછ કરતા તે સુરેન્દ્રનગર ન્યુ. એસ.પી.સ્કૂલની પાછળ કેસરીનંદન સોસાયટીના 22 વર્ષના વિજયભાઈ પ્રભુભાઈ દેસાણી હોવાનું જણાવ્યુ હતુ. આ કાર્યવાહીમાં પીએસાઈ આર.જી.ઝાલા, અજીતસિંહ સોલંકી, મહિપતસિંહ જાદવ, પંકજભાઈ હેરમા,રાજુભાઈ પઢેરીયા, શક્તિસિંહ ચૌહાણ, કિશનભાઈ લકુમ સહિતનો સ્ટાફ જોડાયો હતો. જ્યારે ઝડપાયેલા વિજયભાઈ દેસાણી પાસેથી રૂ. 30,000ની કિંમતો સોનાનો ચેઇન, રૂ.20,000ની કિંમતનું બાઇક સહિત રૂ. 50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...