અકસ્માત:સુરેન્દ્રનગરમાં બાઇકની સાથે આખલો ભટકાતાં 2ને ઇજા પહોંચી

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનો માળીયાથી મજુરી કરી બાઇક પર આવતા હતા
  • બંને યુવાનને​​​​​​​ ટીબી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા

વઢવાણ નવા દરવાજા બહાર રહેતા 2 યુવાન માળિયા બાજુ મજુરી કામ કરી બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ રોડ ફાટક પાસે આખલા સાથે બાઇક ભટકાતા બંને યુવાનને ઇજાઓ પહોંચતા સારવાર માટે દાખલ કરાયા હતા. જેમાં 1 યુવાનની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું હતુ.

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ તરફના રસ્તાના ફાટક પાસે શુક્રવારે મોડી સાંજે 2 યુવાન બાઇક પર આવતાં હતા. આ દરમિયાન રસ્તા પર રહેલા આખલા સાથે ધડાકાભેર બાઇક ભટકાતાં અકસ્માત થયો હતો. બંને યુવાનને ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

જ્યારે 1 ઇજાગ્રસ્ત પાસેથી આધારકાર્ડ મળતા આ યુવાન વઢવાણ નવા દરવાજા બહાર રહેતાં હોવાનું ખૂલ્યું હતુ. આ બનાવમાં ચૌહાણ ભાર્ગવ ઉર્ફે લાલો મનુભાઈ તેમજ યાદવ રાજુભાઈ છગનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. આ બંને યુવાનો માળિયામાં મજુરી કામ કરીને ઘરે વઢવાણ પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો હોવાની વિગતો બહાર આવી હતી. જો કે, આ બનાવ અંગે હજુ સુધી પોલીસ મથકે કોઇ નોંધ ન થઇ હોવાનું જાણવા મળ્યું હતુ.

હોસ્પિટલ તંત્રે 108નો આગ્રહ રાખતા લોકોમાં રોષ ફેલાયો
સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં બંને યુવાનો લોહિલુહાણ હાલતમાં હતા. ત્યારે કોઇ ખાનગી વાહનચાલક આ ઇજાગ્રસ્તોને લઇને ટીબી હોસ્પિટલે દોડી ગયા હતા. પરંતુ હોસ્પિટલ દ્વારા આ ઇજાગ્રસ્તોને 108માં લાવવાનું જણાવતા લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યારબાદ 108 માં આ ઇજાગ્રસ્તોને લવાતાં સારવાર મળી હતી. આમ હોસ્પિટલના તંત્ર દ્વારા ઇજાગ્રસ્તોને 108 માંજ લાવવાની ફરજ પાડવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...