હળવદ તાલુકાના સાપકડા ગામમાં પાણી પુરવઠા બોર્ડની ઢીલી નીતિને કારણે 5000ની માનવ વસ્તી અને 4000 જેટલા પશુધન માટે મુશ્કેલી સર્જાઈ છે. માત્ર 2 કિલોમીટર જેટલી પાઈપ લાઈન નાખવામાં ન આવતા ગામ લોકોને પીવાના પાણી માટે દર દર ભટકવું પડે છે. આ મામલે ગામના સરપંચ દ્વારા આરોગ્ય મંત્રી, પાણી પુરવઠા વિભાગ સહિતનાઓને લેખિત રજુઆત કરવામાં આવી છે. તેમજ જો સમસ્યાનું નીરાકરણ નહી આવે તો મોરબીમાં ગામના 500 લોકો સાથે ધામા નાખી આંદોલન છેડવા ચીમકી ઉચ્ચારી છે.
સાપકડા ગામના સરપંચ નટુભાઈ ગોરધનભાઈ કણઝારીયાએ રાજ્યના આરોગ્ય મંત્રી, પાણી પુરવઠા વિભાગ સહિતનાઓને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, સાપકડા ગામના ભૂગર્ભ જળ ખરાબ હોવાથી ગામના બોરનું પાણી પીવાલાયક નથી. બીજી તરફ અહીં નવો સંપ બનાવાયો છે. પરંતુ બે કિલોમીટર પાઇપ લાઈન નાખવામાં ન આવતા હાલમાં સાપકડા ગામની 5000ની માનવ વસ્તી અને 4000 જેટલા પશુધન માટે પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ છે.
વધુમાં ગામના સરપંચે જો સત્વરે નવા સંપ સુધી પાણીની લાઈન નાખવામાં નહીં આવે તો સાપકડા ગામના 500 લોકોને સાથે રાખી જિલ્લાની વડી કચેરી ખાતે જન આંદોલનના મંડાણ કરવાનું જાહેર કર્યું છે. આથી સરપંચ દ્વારા પાણીના પ્રશ્ને ઉગ્ર આંદોલનની ચિમકીથી ભરઉનાળે તંત્રમાં દોડધામ મચી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.