ટાયર ટ્યુબની આડમાં દારૂની હેરાફેરી:પાટડીમાં પોલીસે ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો, રૂ. 14.97 લાખનો મુદામાલ જપ્ત

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બજાણા પીએસઆઇ સહિતની પોલીસ ટીમે બાતમીના આધારે છટકું ગોઠવી વિરમગામ ધ્રાંગધ્રા હાઇવે પર માલવણ ચોકડી પાસેથી ટાયર ટ્યુબની આડમાં ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં બજાણા પોલીસે વિદેશી દારૂની 1476 બોટલો અને ટ્રક સાથે રૂ. 14.97 લાખનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં વિદેશી દારૂની બોટલો નંગ- 1476 સાથે ટ્રક, ટાયર ટ્યુબ કિંમત રૂ. 7,80,607 અને મોબાઇલ મળી રૂ. 14,97,907ના મુદામાલ સાથે રાજસ્થાનનો એક આરોપી ઝડપાયો હતો.

બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી સચોટ બાતમીના આધારે વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર માલવણ ચોકડી પાસે છટકું ગોઠવી અચાનક દરોડો પાડ્યો હતો. ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલી રાજસ્થાન પાસીંગની ટ્રકને આંતરીને સઘન તલાશી લેવામાં આવતા આ ટ્રકમાં ટાયર ટ્યુબની આડમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર રાજસ્થાનથી ઝાલાવાડ પંથકમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવાનો પર્દાફાશ કર્યો હતો.

જેમાં ટ્રક ચાલક દીનેશ સાજરામ બિશ્નોઇ ( ઉંમર વર્ષ- 32, રહે- જાનીવાલ ધોરા, તાલુકો અને જીલ્લો- જોધપુર ( રાજસ્થાન ) બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં ટાયર અને ટ્યુબની આડમાં જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 1188 તથા બીયર નંગ- 288 મળી કુલ બોટલો નંગ- 1476, કિંમત રૂ. 2,12,400, ટરબો ટ્રક કિંમત રૂ. 5,00,000, ટાયર ટ્યુબની કિંમત રૂ.7,80,507, મોબાઇલ નંગ- 1, કિંમત રૂ. 5000 મળી કુલ રૂ. 14,97,907નો મુદામાલ ઝબ્બે કર્યો હતો. બજાણા પોલીસના આ દરોડામાં પી.એસ.આઇ. ડી.જે.ઝાલા, ક્રિપાલસિંહ જશવંતસિંહ, રોહિતકુમાર સુમનચંદ્ર અને યશપાલસિંહ ઘનશ્યામસિંહ સહિતનો બજાણા પોલીસનો સ્ટાફ સાથે હાજર હતો.

પાટડી પંથકમાંથી છેલ્લા 1 મહિનામા પકડાયેલા દારૂના જથ્થાની વિગત

  • 3/3/23ના રોજ દસાડા શંખેશ્વર હાઇવે પર વિદેશી દારૂની 105 બોટલો સાથે રૂ. 3.09 લાખના મુદામાલ સાથે બે શખ્સ ઝડપાયા
  • 2/3/23ના રોજ પાટડીના સલી ગામ પાસેથી વિદેશી દારૂની 288 બોટલો સાથે રૂ. 2.08 લાખના મુદામાલ સાથે પીકઅપ ગાડી ઝડપાઇ
  • 28/2/23ના રોજ દસાડા શંખેશ્વર હાઇવે પર વિદેશી દારૂની 804 બોટલો સાથે રૂ. 7.04 લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સો સાથે બે કાર ઝડપાઇ
  • 26/2/23ના રોજ પાટડી ફાટક પાસેથી વિદેશી દારૂની 3573 બોટલો સાથે રૂ. 18.73 લાખના મુદામાલ સાથે પાંચ શખ્સો ત્રણ ગાડીઓ સાથે ઝડપાયા
  • 12/2/23ના રોજ બજાણા પુલ પરથી વિદેશી દારૂની 350 બોટલો સાથે રૂ. 3.57 લાખના મુદામાલ સાથે અકસ્માતગ્રસ્ત કાર ઝડપાઇ
  • 3/2/23ના રોજ જૈનાબાદ હાઇવે પરથી વિદેશી દારૂની 720 બોટલો સાથે રૂ. 4.72 લાખના મુદામાલ સાથે કાર ઝડપાઇ​​​​​
અન્ય સમાચારો પણ છે...