તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તકલીફ કોને?:પાટડીમાં સરકારી કર્મચારીઓની 53% જગ્યા ખાલી, 45% કર્મચારીઓ અપ-ડાઉન કરતાં હોવાથી પાંચ વાગતા જ કચેરીઓ ખાલીખમ

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટડીમાં સરકારી કર્મચારીઓની 53% જગ્યા ખાલી, 45% કર્મચારીઓ અપ-ડાઉન કરતાં હોવાથી પાંચ વાગતા જ કચેરીઓ ખાલીખમ - Divya Bhaskar
પાટડીમાં સરકારી કર્મચારીઓની 53% જગ્યા ખાલી, 45% કર્મચારીઓ અપ-ડાઉન કરતાં હોવાથી પાંચ વાગતા જ કચેરીઓ ખાલીખમ
  • પરિવહનની મુશ્કેલીના કારણે અપડાઉન કરતા કર્મચારીઓ બસ કે અન્ય વાહન પકડવા કચેરીએથી વહેલા નિકળે છે
  • મોટા ભાગની સરકારી કચેરીઓમાં પાંચ વાગતાં જ કરફ્યુનો માહોલ જોવા મળે છે

પાટડી તાલુકાની મોટાભાગની સરકારી કચેરીઓમાં 40 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. જ્યારે દિવ્યભાસ્કરની જાત તપાસમાં ચોંકાવનારી હકિકતો સામેં આવી છે. પાટડી તાલુકા પંચાયત, પ્રાંત કલેક્ટર કચેરી, નર્મદા વિભાગ અને મામલતદાર કચેરી સહિતની મોટા ભાગની સરકારી કચેરીઓમાં પાંચ વાગતાં જ કરફ્યુનો માહોલ જોવા મળે છે. જેમાં પરિવહનની મુશ્કેલીના કારણે બહારગામથી અપડાઉન કરતા સરકારી કર્મચારી બસ કે અન્ય કોઇ વાહન પકડવા કચેરીએથી વહેલા ગુલ્લી મારે છે. જેથી દુર દુરના ગામડાઓમાંથી આવતા અરજદારોને વિલા મોંઢે પરત ફરવાની નોબત આવે છે.

સુરેન્દ્રનગર જિલ્લ‍ામાં 'દસાડા' તાલુકો હોવા છતાં મોટા ભાગની તમામ સરકારી કચેરીઓ પાટડીમાં હોવાથી 'દસાડા દફ્તર બહાર'નું લેબલ વાગી ગયું છે. વધુમાં પાટડી તાલુકામાં સરકારી કર્મચારીઓને રણકાંઠાની ખારાશ નડતી હોવાની અત્યંત ચોંકાવનારી હકીકતો સામેં આવી છે. કારણ કે, પાટડીમાં આવેલી પ્રાંત કલેક્ટર કચેરી, તાલુકા પંચાયત, મામલતદાર, પોલીસ વિભાગ, બસ સ્ટેશન, સરકારી હોસ્પિટલ સહિતની મોટા ભાગની સરકારી કચેરીઓમાં હાલમાં 40 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે અને હાજર કર્મચારીઓમાંથી 60% સરકારી બાબુઓ બહારગામથી રોજ અપ-ડાઉન કરે છે.

સરકારી ઓફિસનો સમય છ વાગ્યાનો હોવા છતાં પાંચ વાગ્યે ઓફિસો ખાલી

પાટડીમાં આવેલી સરકારી કચેરીઓમાં અપ-ડાઉન કરતા કર્મચારીઓમાંથી 80% સરકારી બાબુઓ અમદાવાદ કે સુરેન્દ્રનગરથી રોજ અપ-ડાઉન કરે છે. જેમાં અમદાવાદ અને સુરેન્દ્રનગરથી પાટડી સવારે 11 વાગ્યે બસ આવે છે. જે ક્યારેક મોડી આવતી હોવાથી સરકારી બાબુઓ સમયસર ઓફિસે પહોંચતા નથી. જ્યારે સુરેન્દ્રનગર જવા સાંજે પાંચ વાગ્યે વારાહી-સુરેન્દ્રનગર બસ પછી અને અમદાવાદ જવા માટે સાંજે 5-30 વાગ્યે ખારાઘોડા-અમદાવાદ બસ પછી કોઇ જ બસ ન હોવાથી એમને સરકારી ઓફિસનો સમય છ વાગ્યાનો હોવા છતાં પાંચ વાગ્યે તો નીકળી જ જવું પડે છે. એ જ રીતે વહેલી સવારની બસ ચુકી જવાય કે બસ બગડે કે પંક્ચર પડે કે નિયમીત બસના અભાવે તેઓ ઓફિસે સમયસર પહોંચી શકતા નથી અને દૂર ગામડાઓમાંથી આવતા અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એ પણ કડવી વાસ્તવિકતા છે.

પાટડીથી સાંજે 5 વાગ્યા પછી કોઇ વાહન મળતુ નથી પાટડીએ ચારે બાજુ હાઇવેથી વિખુટુ પડેલુ સેન્ટર હોવાથી પાટડીમાં ધ્રાંગધ્રા, હળવદ કે લિંબડી જેવા અન્ય તાલુકાઓની જેમ બસોની યોગ્ય સુવિધા નથી. જેમ કે હાઇવે પર આવેલા ધ્રાંગધ્રા, હળવદ કે લિંબડીમાં રોજની 300 બસોની અવર જવર રહે છે. જ્યારે પછાત પાટડી પથંકમાં રોજની સમ ખાવા પુરતી માંડ 45 બસોની જ અવર જવર છે.

પાટડીની કચેરીઓમાં ઇન્ચાર્જ રાજ

પાટડી તાલુકાની મોટા ભાગની સરકારી કચેરીઓમાં 40 ટકા જગ્યાઓ ખાલી હોવાની સાથે 'ઇન્ચાર્જ રાજ' છે. જેમાં પાટડીમાં દસાડા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી સહિતની જગ્યા ખાલી હોવાથી ઇન્ચાર્જ રાજ છે.

પોલીસ વિભાગમાં તો 60% જગ્યા ખાલી

પાટડીના તાબામાં કુલ ચાર પોલીસ મથકો આવેલા છે. જેમાં પીએસઆઇ, એએસઆઇ, કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ મળી કુલ 60% જગ્યાઓ ખાલી છે. જેમાં પાટડી પોલીસ મથકમાં 56ના મહેકમ સામેં 26, દસાડા પોલિસ મથકમાં 38ના મહેકમ સામેં 20, ઝીંઝુવાડા પોલિસ મથકમાં 29ના મહેકમ સામેં 19 અને બજાણા પોલીસ મથકમાં 80ના મહેકમ સામે 15ની મળી પાટડી પથંકમાં પોલિસ વિભાગમાં 203ના મહેકમ સામે 60% એટલે કે 123 જગ્યાઓ ખાલી હોવાથી ચોર તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે

92 ગામ, 54 તલાટી, 38 જગ્ય‍ા ખાલી

92 ગામો વચ્ચેના પાટડી તાલુકામાં માત્ર 54 પંચાયત તલાટીઓ હોવાથી 34 જગ્યાઓ હાલમાં ખાલી છે. આથી એક-એક તલાટીને બે-બે કે ત્રણ-ત્રણ ગામોનો ચાર્જ છે. અને રેવન્યુ સહિતની તમામ કામગીરી પંચાયત તલાટીઓને કરવાની નોબત આવી છે.

અન્ય સમાચારો પણ છે...