પરંપરા અકબંધ:પાટડીના ઓડું ગામમાં અંગ્રેજ સમયથી ચાલી આવતી પરંપરા અકબંધ, 14 જાન્યુઆરી નહીં પણ 29મી ડિસેમ્બરે ઉત્તરાયણ ઉજવાય છે

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
પાટડીના ઓડું ગામમાં અંગ્રેજ સમયથી ચાલી આવતી પરંપરા અકબંધ, 14 જાન્યુઆરી નહીં પણ 29મી ડિસેમ્બરે ઉત્તરાયણ ઉજવાય છે
  • વર્ષ 1882માં અંગ્રેજ સમયથી ચાલી આવતી પરંપરા આજેય અકબંધ
  • પતંગ મેળા મહોત્સવમાં ઓડું સહિત ખારાઘોઢા, મીઠાઘોઢા ગામના લોકો ઉમટે છે

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં 14મી જાન્યુઆરી ઉત્તરાયણ પર્વ ઉજવાય છે. ત્યારે રણકાંઠાનું સૌથી છેવાડાનું ઓડું એક એવુ ગામ છે કે, જ્યાં આજેય 29મી ડિસેમ્બરે પતંગોત્સવ ઉજવાય છે. ઓડુંમાં સને 1882 બ્રિટિશ હુકુમત સમયથી ચાલી આવતી આ અનોખી પરંપરા આજેય અકબંધ છે.

પાટડી તાલુકાનું રણકાંઠાના છેવાડે આવેલા ઓડું ગામની વસ્તી અંદાજે 4,000ની છે. અહીં મુખત્ત્વે મજૂરી કામ થકી પેટીયું રળતા મજૂરો અને રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો વસવાટ કરે છે. પાટડી તાલુકાના ઓડું ગામમાં અંગ્રેજ સલ્તનત સમયથી એટલે કે, આઝાદી પહેલા સને 1882થી દર વર્ષે 29મી ડિસેમ્બરે ગામના ચોરે પતંગ મહોત્સવ અચૂક ઉજવાય છે.

ઓડું ગામેં દર વર્ષે 29મી ડિસેમ્બરે યોજાતા પતંગ મહોત્સવ અંગે વિગતવાર માહિતી આપતા ઓડું ગામના પૂર્વ સરપંચ ધીરૂભાઇ અજાણી જણાવે છે કે, ખારાઘોઢા રણમાં સને 1872થી અંગ્રેજો દ્વારા મીઠું પકવવાની શરૂઆત થઇ હતી. એ સમયે ગામની બાજુમાં આવેલા રણમાં અંગ્રેજોના મીઠાના અગરો હતા. જ્યાં હજારો અગરિયા પરિવારો દ્વારા મીઠું પકવવામાં આવતું હતુ.

એ સમયે અગરના વડા અધિકારી તરીકે અનવર શેખ ફરજ બજાવતા હતા. અને તેઓ દાવલશા પીરની દરગાહે નમાજી હોવાથી ઓડું ગામના દાવલશા પીરની દરગાહે નમાજ અદા કરવા આવતા હતા. એક બાજુ મીઠાના ઉત્પાદનની પ્રક્રિયા આખુ વર્ષ ચાલનારી અને મજૂરી વાળી હોવાથી તેઓએ દરગાહને નિમિત્ત બનાવી અગરિયા સમુદાયના મનોરંજન માટે પતંગ મેળાની શરૂઆત કરાવી હતી. દર વર્ષે 29મી ડિસેમ્બરના દિવસે એ વખતના અગરિયાના વંશજોન‍ા સમુહના વડા રણમાંથી પગપાળા આવી દાવલશા પીરની દરગાહે ધજા અને ફુલ ચઢાવે છે.

અંદાજે 140 વર્ષ પુરાણી 29મી ડિસેમ્બરે યોજાતા અનોખા પતંગમેળાની પરંપરા આજેય અકબંધ છે. ઓડું ગામેં યોજાતા આ અનોખા પતંગ મેળા મહોત્સવમાં ઓડું સહિત ખારાઘોઢા, મીઠાઘોઢા તથા રણમાં મીઠું પકવવા ગયેલા અગરિયા સમુદાય ઓડું ગામેં ઉમટી પડી સમુહમાં પતંગોત્ત્સવ મનાવે છે.

હાલમાં ગામમાં માત્ર ત્રણ જ મુસ્લિમ પરિવારો વસવાટ કરે છે ઓડું ગામેં આવેલી દાવલશા પીરની દરગાહના મુજા ફકિર મહંમદ જણાવે છે કે, હાલમાં ઓડું ગામમાં માત્ર ત્રણ જ મુસ્લિમ પરિવારો વસવાટ કરે છે. છતાં ગામનાં હિન્દુ પરિવારોની આસ્થા દાવલશા પીર સાથે અતૂટ જોડાયેલી છે. આ અનોખા પતંગ મેળાના આયોજન માટે કોઇ જ કમિટી ન હોવા છતાં લોકો સ્વયંભૂ અને શાંતિપૂર્ણ રીતે પતંગ મેળામાં ઉમટી પડી પતંગ મેળાની મજા માણે છે.

આ દિવસે લોકો મીઠી ચા પીને જૂની કડવાશો ભૂલે છે. ઓડું ગ‍ામેં દર વર્ષે 29મી ડિસેમ્બરે યોજાતા આ અનોખા પતંગમેળા મહોત્ત્સવમાં સવારના સમયે દાવલશા પીરની દરગાહે લોકો ભેગા થાય છે. અને પીરનાં મૂજાવર મીઠી ચા બનાવે છે. અને ત્યાં એકઠા થયેલા સૌ ભેગા બેસીને ચા પીને વરસભરની મનની કડવાશો અને અણબનાવોને ભૂલી જઇ ભાઇચારાની ભાવના સાથે માનવતાની મહેંક પ્રસરાવે છે.

અન્ય સમાચારો પણ છે...