તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા:ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં પાડોશીઓના ઝઘડામાં સત્યના પારખા કરવા બે લોકોએ ધગધગતા તેલમાં હાથ નાખ્યા, વીડિયો વાઇરલ

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
સત્યના પારખા કરવા માટે બે વ્યક્તિએ ગરમ તેલમાં હાથ નાખ્યા.
  • ઉપસ્થિત લોકો મામલો શાંત પાડવાને બદલે તમાશો જોતા રહ્યા
  • આધેડ પડોશીએ મહિલાના ચરિત્ર પર શંકા કરી પહેલાં ઝઘડો કર્યો પછી સતનાં પારખાં કર્યાં
  • દાઝી ગયેલાં બંંનેને ધ્રાંગધ્રાની હોસ્પિટલમાં સારવાર લેવી પડી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામમાં બે પાડોશી વચ્ચેના સામાન્ય ઝઘડામાં સાચા-ખોટાની પરખ માટે લોકો ધગધગતા તેલમાં હાથ નાખતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં લોકો માગ કરી રહ્યા છે કે, પોલીસ આ વીડિયો મામલે કાર્યવાહી કરે.

ધ્રાંગધ્રાના રણકાંઠાના નિમકનગરમાં અંધશ્રદ્ધાની હાજરી પુરાવતો ઘૃણાસ્પદ કિસ્સો બન્યો હતો. પડોશી મહિલાના ચરિત્ર પર શંકા કરી આધેડે ઝઘડો કર્યો હતો. બાદમાં આધેડ અને મહિલાએ ઉકળતાં તેલમાં હાથ નાખી સતનાં પારખાં કર્યા હતા. જોકે બંને દાઝી જતાં સારવાર લેવી પડી હતી. આ સમગ્ર ઘટના ગામના લોકોએ મૂક સાક્ષી બનીને જોઈ હતી અને વીડિયો વાઈરલ કર્યો હતો.

ગામમાં રહેતા બે પરિવાર વચ્ચે ચારિત્ર્યની શંકાને લઈને બોલાચાલી થઈ હતી. બંનેની તકરાર ચરમસીમાએ પહોંચી ગઈ હતી. અને કોણ સાચું અને કોણ ખોટું તેના પારખાં કરવા માટે ગ્રામજનોની હાજરીમાં ચૂલા ઉપર કડાઈમાં તેલ મૂકીને ઉકાળવામાં આવ્યું હતું. ઉકળતા તેલમાં પહેલાં ધીરૂભાઈએ હાથ નાખ્યા હતા. બાદમાં ધૂણવા લાગ્યા હતા. પછી એકદમ ઊભા થઈને ગીતાબહેને પણ હાથ નાખ્યા હતા પરંતુ આ તો ઉકળતું તેલ હતું, તેમાં હાથ નાખતાંની સાથે જ બંને દાઝી જતાં સારવાર માટે ધ્રાંગધ્રા લઈ જવામાં આવ્યાં હતાં.

બનાવના સમયે હાજર રહેલી કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં ફરતો કરી દીધો હતો. આથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને બીટ જમાદાર મગનલાલ સોલંકીએ તેલમાં હાથ નાખનારા ધીરૂભાઈ અને ગીતાબહેનને પોલીસ સ્ટેશને બોલાવીને મામલતદારમાં જામીન લેવડાવ્યા હતા.

શું છે વાઈરલ વીડિયોમાં?
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં નિમકનગર ગામમાં એક વિસ્તારમાં કેટલાક લોકો એકઠા થયેલા જોવા મળી રહ્યા છે, જેમાં બે પાડોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે. બોલાચાલી બાદ એક વૃદ્ધ ગુસ્સે થાય છે અને ધૂણવા લાગી જમીન પર પડેલી તેલની કડાઈમાં હાથ નાખી દે છે. ત્યાર બાદ એક મહિલા પણ આગળ આવે છે અને તે પણ તેલની કડાઈમાં હાથ નાખી દે છે. દુઃખદ વાત એ છે કે અહીં ઉપસ્થિત લોકો આ વ્યકિતઓને રોકી સમજાવવાને બદલે ધૂણી રહેલા લોકોને પગે લાગતા જોવા મળી રહ્યા છે.

21મી સદીમાં આ પ્રકારની અંધશ્રદ્ધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે, સાથે માગ પણ કરી રહ્યા છે કે પોલીસે આ વાઈરલ વીડિયો મામલે તપાસ કરી કાર્યવાહી કરે.

ધ્રાંગધ્રા નિમકનગરમાં ઉકળતા તેલમાં હાથ નાંખતા એક શખ્સ અને મહિલાના હાથ દાઝી ગયા હતા.
ધ્રાંગધ્રા નિમકનગરમાં ઉકળતા તેલમાં હાથ નાંખતા એક શખ્સ અને મહિલાના હાથ દાઝી ગયા હતા.

‘તું 4 વાગે ગાડી લઈને જાશ, તારા ઘરે કોઈ આવે છે’ તેમ કહેતાં સતનાં પારખાં કર્યાં
આ બનાવમાં એવી વિગતો બહાર આવી રહી છે કે નીમકનગરમાં એક જ દીવાલે રહેતા બે પરિવાર પૈકીના ધીરુભાઈએ પડોશી ગીતાબહેનના પતિને કહ્યું હતું કે ‘તું વહેલાં 4 વાગે ગાડી લઈને જાશ પછી તારા ઘરમાં કોક આવે છે.’ આ બાબતે પ્રથમ જેના ચારિત્ર્ય ઉપર શંકા કરી હતી તે પતિ-પત્નીને તકરાર થઈ હતી. પછી આ મામલે બંને પાડોશી વચ્ચે બોલાચાલી થઈ હતી.

ગ્રામજનો ‘સતનાં પારખાં’નો તમાશો જોતા રહ્યા, મદદ ન કરી
સતનાં પારખાં કરવા માટે ચૂલા ઉપર તેલ ઉકાળવામાં આવતું હતું ત્યારે ગામના બીજા લોકો પણ હાજર થઈ ગયા હતા. એક તરફ અંધશ્રદ્ધાનો ખેલ ચાલતો હતો ત્યારે બીજી બાજુ ગામના લોકો ભેગા થઈને તમાશો જોઈ રહ્યા હતા.

ઉકળતા તેલમાં હાથ નાખીને આશીર્વાદ આપ્યા, બળતરા થતાં સારવાર લેવી પડી
ઉકળતું તેલ મૂકીને પહેલાં પુરુષ ધૂણવા લાગ્યો હતો અને લોકોને કહેતો હતો કે સાંભળવાવાળા બરોબર છે ને તેમ કહીને ઉકળતા તેલમાં હાથ નાખી દીધા હતા. પછી ધૂણવા લાગ્યો હતો. આથી લોકો દર્શન કરવા લાગ્યા હતા. દર્શન કરનારા લોકોને આશિર્વાદ આપતા હોવાનું વીડિયોમાં જોવા મળે છે પરંતુ બાદમાં કાળી વેદના ઉપડતાં સારવાર લેવી પડી હતી.

1 વર્ષ પહેલાં હળવદના ચુંપણીમાં પતિએ પત્નીનાં પારખાં કર્યાં હતાં
જિલ્લામાં આવી રીતે અંધશ્રધ્ધાથી સતના પારખા કરવાના કિસ્સાઓ અવાર નવાર બનતા હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓ લોકોની સામે આવે છે તો ઘણા કિસ્સાઓની ખબર પણ પડતી નથી. અંદાજે એકાદ વર્ષ પહેલા હળવદના ચુંપણી ગામે પણ આવો જ એક કિસ્સો બન્યો હતો. જેમાં પતીએ પત્નીના પારખા કરવા ઉકળતા તેલમાં હાથ નખાવ્યો હતો. તે સમયે પણ આ ઘૃણાસ્પદ કિસ્સાની સમગ્ર ઝાલાવાડમાં ખૂબ જ ચર્ચા થઈ હતી. જિલ્લાના અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં આ રીતે સતનાં પારખાંના નામે ઉકળતાં તેલમાં હાથ નાખવાની અંધશ્રદ્ધાને મહત્ત્વ આપતી ઘટનાઓ સામે કોઈ પણ સામાજિક આગેવાન આગળ આવતા નથી તે દુ:ખદ છે.

અન્ય સમાચારો પણ છે...