પાણીની પારાયણ:મોરબીના હળવદમાં પાણીના ધાંધિયા યથાવત રહેતા મહિલાઓ બેડા લઈ રસ્તા પર ઉતરી આવી

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
હળવદમાં પાણીના ધાંધિયા યથાવત રહેતા મહિલાઓ બેડા લઈ રસ્તા પર ઉતરી આવી
  • સ્વામિનારાયણ નગરમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓ સરા રોડ ઉપર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો

મોરબીની હળવદ પાલિકા દ્વારા શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડવામાં ધાંધિયા શરૂ કરાતા અગાઉ રુદ્ર સોસાયટી બાદ આજે સ્વામિનારાયણ નગરની મહિલાઓ સરા રોડ ઉપર ઉતરી આવી પાણી આપો,પાણી આપોના નારા લગાવી નવરાત્રિમાં બેડારાસ લેવા મજબુર બની હતી. ભર ચોમાસે જ પાલિકા પાણી પૂરું પાડવામાં નાદાર બની જતા ઉનાળામાં શું હાલત થશે તેની ચિંતા અત્યારથી જ હળવદના નગરજનોને સતાવી રહી છે.

હળવદ શહેરમાં પાછલા પચીસેક દિવસથી સરા રોડ પરની સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે, તેમ છતાં પણ હળવદ પાલિકાતંત્ર નિંદ્રાધીન બન્યું છે સાથે જ અહીંના રહીશો પાલિકા તંત્રને અને વોર્ડના સદસ્યોને રજૂઆતો કરી કરીને થાકી ગયા છે. પરંતુ અહિના બેજવાબદાર નેતાઓ મતદારો પાસે ચુટણી સમયે મતની ભીખ માંગવા દરવાજે દોડીઆવતા એજ નેતાઓ અત્યારે અહિના રહિસો સામે પણ જોતા નથી..??

જેથી અગાઉ રુદ્ર ટાઉનશીપ વિસ્તારની મહિલાઓ રોડ પર ઉતરી આવી ચક્કાજામ કરી પાણી આપો ના સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે આજે આજ વોર્ડ નંબર 5 માં આવેલ સ્વામિનારાયણ નગરમાં પણ રુદ્ર ટાઉનશીપ જેવી જ પાણીની સમસ્યા સર્જાઈ છે. પરંતુ જવાબદાર તંત્ર બીજું તો નહિ પણ પીવાનું પાણી દેવાનું પણ ભુલી ગયું છે જેથી અનેક વારની રજૂઆત છતાં પણ પાણીની સમસ્યા હલ ન થતાં આજે આખરે આ વિસ્તારની મહિલાઓએ સરા રોડ ઉપર ઉતરી આવી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.

જેથી હવે જોવાનું એ રહ્યું કે પવિત્ર નોરતામાં જ પાણીની સમસ્યા સર્જાઈ છે જેથી પાલિકા તંત્ર વોડ નંબર પાંચના રહીશોની પાણીની સમસ્યા ક્યારે હાલ કરે છે.

અન્ય સમાચારો પણ છે...