પત્નીનું ઢીમ ઢાળી દીધું:મોરબીમાં પતિ વારંવાર ચારિત્ર્ય પર શંકા કરી મારઝૂડ કરતા પત્નીએ ઘર છોડ્યું, પતિએ શોધી લાવી હત્યા કરી નાખી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં પતિ વારંવાર ચારિત્ર્ય પર શંકા કરી મારઝૂડ કરતા પત્નીએ ઘર છોડ્યું, પતિએ શોધી લાવી હત્યા કરી નાખી - Divya Bhaskar
મોરબીમાં પતિ વારંવાર ચારિત્ર્ય પર શંકા કરી મારઝૂડ કરતા પત્નીએ ઘર છોડ્યું, પતિએ શોધી લાવી હત્યા કરી નાખી
  • પતિએ પત્નીને ધોકા ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી
  • મોરબી બી ડિવિઝન પોલીસે હત્યારા પતિને ઝડપી લેવા તપાસ હાથ ધરી

મોરબીના રેલવે સ્ટેશન વિસ્તારમાં પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાનો કરુણ અંત આવ્યો હતો. જેમાં પતિ વારંવાર ચારિત્ર્ય ઉપર શંકા કરીને પત્ની સાથે મારઝૂડ કરતો હતો. જેથી પત્નીએ ઘર છોડી દીધુ હતું. જોકે, પતિએ પત્નીને શોધીને ઘરે લાવી ધોકા ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ચકચારી બનાવની ફરિયાદ પરથી મોરબી બી ડિવિઝન પોલીસે હત્યારા પતિને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીસીપરા પાસે આવેલા રેલવે સ્ટેશન નજીક રહેતા હલીમાબેન અનવરભાઈ શેખ (ઉ.વ.24)ને ગઈકાલે રાત્રે ગંભીર ઇજા થતાં તેમને તાકીદે સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફે સઘન તપાસ ચલાવતા મૃતક હલીમાબેન અનવરભાઈ શેખની હત્યા થયાનું બહાર આવ્યું હતું. પત્નીની તેના પતિ અનવરશા ખમિશા શેખે જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આથી મૃતકના કચ્છ-અંજાર રહેતા માતા આઇશાબેન મહંમદભાઈ શેખે જમાઈ અનવરભાઈ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

આ પોલીસ ફરિયાદમાં જણાવ્યાં મુજબ પતિ અનવર અવાર નવાર પત્ની હલીમાબેન ઉપર ચારિત્ર્ય બાબતે શંકા કરતો હતો અને વારંવાર ચારિત્ર્ય બાબતે શંકા કરી પત્નીને મારઝૂડ પણ કરતો હોવાથી રોજરોજના કજીયા કંકાસ અને પતિના મારના ત્રાસથી કંટાળી ગયેલી પત્ની હલીમાબેન થોડા દિવસો પહેલા ઘર છોડીને ક્યાંક નીકળી ગયા હતા. પરંતુ પાછળથી પતિ અનવરે પત્ની હલીમાબેનની શોધખોળ કરીને ઘરે લાવ્યો હતો. જે બાદ ફરી ચારિત્ર્ય બાબતે ઝઘડો કરી પતિ અનવરે પત્ની હલીમાબેનને ધોકા મારીને પતાવી દીધી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...