ગેરરીતિ મામલે કાર્યવાહી:મોરબીમાં ઈમ્પેક્ટ ફી વસૂલાતમાં ગેરરીતિ સામે આવી, ત્રણ હંગામી કર્મચારીને છુટા કરાયા

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં ઈમ્પૅક્ટ ફી વસૂલાતમાં ગેરરીતિ સામે આવી, ત્રણ હંગામી કર્મચારીને છુટા કરાયા - Divya Bhaskar
મોરબીમાં ઈમ્પૅક્ટ ફી વસૂલાતમાં ગેરરીતિ સામે આવી, ત્રણ હંગામી કર્મચારીને છુટા કરાયા
  • વસુલાતનું સઘળું રેકોર્ડ રજૂ કરવા કર્મચારીઓને તાકીદ કરી હોવા છતાં રેકર્ડ રજૂ કર્યો ન હતો
  • કાયમી કર્મચારીને બે દિવસમાં તમામ રેકર્ડ રજૂ કરવા આદેશ કરાયા

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામીક ઉદ્યોગનુ હબ બનેલા મોરબી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો છડેચોક બંધાઈ રહ્યા છે. ત્યારે ભુતકાળમાં ઈમ્પેક્ટ ફી મામલે થયેલી ગેરરીતિઓ ઉપરથી પરદો ઉચકવા નવનિયુક્ત ચીફ ઓફિસરે સાત દિવસમાં ઈમ્પેક્ટ ફી વસુલાતનું સઘળું રેકોર્ડ રજૂ કરવા જવાબદાર કર્મચારીઓને તાકીદ કરી હતી, છતાં જવાબદાર કર્મચારીઓ દ્વારા રેકર્ડ રજૂ ન કરતા આજે ચીફ ઓફિસર દ્વારા ત્રણ હંગામી, ફિક્સ વેતન કર્મચારીઓની સેવાનો અંત લાવી તાત્કાલિક અસરથી છુટા કરવા આદેશ આપ્યા હતા. જેને લઈ નગરપાલિકા કચેરીમાં ખળભળાટ મચી ગયો છે.

આજ રોજ મોરબી પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ઈમ્પેક્ટ-ફી અધીનીયમ હેઠળ જે ગેરરીતીઓ હાથ ધરાયેલી હતી તેની તપાસ કરી દિન-7 (સાત)માં તેનો અહેવાલ અત્રેની સમક્ષ રજુ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ આ મામલે જવાબદાર એવા ત્રણ કર્મચારીઓ દ્વારા અક્ષમ્ય બેદરકારી દાખવવામાં આવી હતી. નગરપાલિકાની શાખ અને સ્વભંડોળને થઇ રહેલા નુકશાન પહોંચાડ્યાનું જણાવી હંગામી, ફિક્સ વેતન કર્મચારી જયદીપ સોરઠીયા, ધીરુભાઈ સુરેલીયા અને વિવેક દવેની સેવાઓને કરારને તાત્કાલિક અસરથી અંત લાવવાનો હુકમ કર્યો હતો.

વધુમાં ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાના કાયમી કર્મચારી વિનુભાઈ બારહટને આ કાર્યાલય આદેશ હેઠળ બે દિવસમાં ઈમ્પેક્ટ-ફી અધિનિયમ હેઠળનું સમગ્ર રેકર્ડ રજુ કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ કામમાં વિલંબ બદલ દિન-3 (ત્રણ)માં લેખિતમાં વિલંબ બદલનો ખુલાસો રજુ કરવા આદેશ કરતા નગરપાલિકાના કાયમી કર્મચારીઓમાં ભારે ગણગણાટ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...