ઓફલાઇન શિક્ષણ:ઝાલાવાડમાં ધોરણ 1થી 5ના 1.06 લાખથી વધુ બાળકોના કિલ્લોલથી શાળાનું વાતાવરણ ગૂંજશે

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં ધો.1થી 5ની શાળાઓ ચાલુ થવાની હોય બાળકો, પરિવારજનોએ તૈયારી ચાલુ કરી દીધી હતી. - Divya Bhaskar
જિલ્લામાં ધો.1થી 5ની શાળાઓ ચાલુ થવાની હોય બાળકો, પરિવારજનોએ તૈયારી ચાલુ કરી દીધી હતી.
  • વર્ગખંડની સફાઇની સાથે સેનિટાઇઝર સહિતની કાળજી રાખવા માટે સ્ટાફને સૂચના આપી દેવામાં આવી છે

વર્તમાન સમયે કોરોનાના કેસ ન હોય સરકારે બાળકોના શિક્ષણને ધ્યાને લઇને એક પછી એક તબક્કામાં જુદા જુદા ધોરણો ચાલુ કરવાની શરૂઆત કરી હતી. જેમાં આજથી ધો.1થી 5ના નાના બાળકોની શાળા ચાલુ કરવાની મંજૂરી આપી દીધી છે. જેને લઇને વાલી અને વિદ્યાર્થીઓની સાથે શાળા સંચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજથી જિલ્લાની શાળાઓ કુલ 1,06,200 નવા વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠશે. અને વાલીઓ પણ એવું માની રહ્યા છે કે બાળકોનો સર્વાંગી વિકાસ તો શાળામાં જ થાય ઘરમાં નહીં.

કોરોનાકાળમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દર્દીઓથી હોસ્પિટલો ફુલ થઇ ગઇ હતી. દર્દીઓને આપવા માટે ઓક્સિજન મળતો ન હતો તેમાં પણ એક પછી એક મરતા માણસોને કારણે હાહાકાર થઇ ગયો હતો. આવા સમયે સરકારે સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હાલ પરિસ્થિતિ સારી થતા પહેલા કોલેજો ત્યારબાદ ધો.10થી 12 અને ત્યારબાદ ધો.6થી 9 એમ અલગ અલગ સ્ટેપમાં સ્કૂલો ચાલુ કરવાની પરવાનગી આપી હતી. પરંતુ ખાસ કરીને ધો.1 થી 5માં અભ્યાસ કરતા નાના બાળકોના આરોગ્યની ચિંતા કરીને તેમને ઘરે જ ઓનલાઇન ભણાવવામાં આવતા હતા. ઓનલાઇન શિક્ષણમાં નાના બાળકોને ખૂબ મુશ્કેલી પડતી હતી. વાલી અને શાળા સંચાલકો ઘણા સમયથી ઇચ્છતા હતા કે હવે આ બાળકોને પણ શાળામાં અભ્યાસ કરવાની શરૂઆત કરી દેવી જોઇએ. આ બાબતે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી. ત્યારે શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે કે આજથી દરેક શાળામાં ધો.1થી 5ના વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે બોલાવવામાં આવશે. હાલના સમયે જિલ્લામાં ખાનગી અને સરકારી સ્કૂલમાં કુલ 1,06,200 બાળકો જેમાં 54241 વિદ્યાર્થી અને 51949 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. અંદાજે દોઢથી બે વર્ષે નાના બાળકોની શાળાઓ ચાલુ થવા જઇ રહી છે. આથી સંચાલકો, શિક્ષકો, વાલી અને નાના વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને આથી જ શાળાએ જવા માટે ઉતાવળા થઇ રહ્યા છે. શાળા સંચાલકોએ પણ બાળકોને આવકારવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. વર્ગખંડની સફાઇની સાથે સેનિટાઇઝર સહિતની કાળજી રાખવા માટે સ્ટાફને સૂચના આપી દેવામાં આવી છે.

સરકારના નિર્ણયને આવકારીએ છીએ
ખરેખર હવે જિલ્લામાં કોરોનાના કેસ નથી ત્યારે આ નાના બાળકો ઘરે બેઠા બેઠા ભણીને કંટાળી ગયા છે. હવે તો બાળકો લખવાનું અને વાંચવાનું પણ ભૂલી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આવા સમયે રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે તે અવાકારદાયક છે. અમે શાળામાં તકેદારી પણ રાખીશું. > ઇન્દ્રસિંહ ઝાલા, પ્રમુખ, શાળા સંચાલક મંડળ

બાળકોનો અભ્યાસ બગડતો અટકશે
નાના બાળકો માટે તો શાળા એટલે રમતા રમતા જ્ઞાન મેળવવાનું સ્થળ, શિક્ષકોની હાજરીમાં એક બીજા સાથે બેસી નાસ્તો કરવો,ગીતો ગાવા આ બધુ બાળકોને પસંદ હોય છે. જે તેમને શાળામાં જ મળે છે. આ નિર્ણય ખરેખર યોગ્ય છે અમે તો ખુશીથી બાળકોને શાળાએ મોકલીશું. > રશ્મિન શાહ,વાલી

હવે બાળકોને મોબાઇલની લત પણ ઓછી થઈ જશે
અત્યારે નાના બાળકોને મોબાઇલની લત લાગી ગઇ છે. જ્યારે પણ નવરા હોય ત્યારે મોબાઇલમાં વીડિયો ગેમ રમતા થઇ ગયા છે. શાળાએ જશે તો બાળકો મોબાઇલનો ઉપયોગ ઓછો કરશે. ઘરે આવીને થોડું ઘણું લખશે પણ ખરા. આથી શાળા ચાલું થઇ તે સારું જ કર્યું છે. > દિવ્યાબેન પટેલ, વિદ્યાાર્થીના માતા

અન્ય સમાચારો પણ છે...