ભાવ વધારો:ઝાલાવાડમાં માતાજીના શણગાર-પૂજાપાના સામાનમાં 20થી 25 ટકાનો ભાવવધારો

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરની દુકાનોમાં નવરાત્રી પૂર્વે લોકોએ માતાજીના શણગાર અને પૂજાપાની વસ્તુઓની ખરીદી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરની દુકાનોમાં નવરાત્રી પૂર્વે લોકોએ માતાજીના શણગાર અને પૂજાપાની વસ્તુઓની ખરીદી.

નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી હોઇ બજારમાં ખરીદી માટે લોકો ઉમટ્યા હતા. જ્યારે માતાજીના શણગાર અને પૂજાપાના સામાનમાં ભાવવધારો છતા નવરાત્રીની ઉજવણી માટે ભક્તોમાં ખરીદીમાં એટલો જ ઉત્સાહ જોવા મળ્યો હતો.દેશભરમાં છેલ્લાં 2 વર્ષથી કોરોનાના કારણે લોકોના જીવનને અસર થવા સાથે તહેવારોની ઉજવણી પણ થઇ શકી ન હતી. પરંતુ વેક્સિનેશન અને લોકજાગૃતિને લઇ સંક્રમણ ઘટતા સરકારે નિયમોના પાલન સાથે છૂટછાટ આપતા જન્માષ્ટમી અને ગણેશોત્સવ રંગેચંગે ઉજવાયા હતા.ત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રની શાન સમાન ગરબીઓ છેલ્લાં 2 વર્ષથી બંધ હોવાથી સાદગીપૂર્વક નવરાત્રિ ઉજવાઇ હતી.

પરંતુ આ વર્ષ ગરબીને છૂટ અપાતા આયોજનો શક્ય બન્યા છે. ત્યારે માતાજીને આવકારવા અને નવલા નોરતાની ઉજવણી માટે ભક્તો તૈયારીઓમાં લાગી ગયા છે. જેમાં ખૈલૈયાઓ ગરબાની તૈયરી અને લોકો માતાજીના શણગાર અને પૂજાપા સહિતની વસ્તુઓ ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. જેના કારણે બજારોમાં પણ ફરી રોનક જોવા મળતા વેપારીઓમાં પણ આનંદની લાગણી છવાઇ હતી. ગત વર્ષ કરતા માતાજીના પૂજાપા અને શણગારની વસ્તુઓમાં 20થી 25 ટકાનો ભાવ વધારો છતાં ભક્તો એટલા જ ઉત્સાહથી ખરીદી કરતા જોવા મળ્યા હતા.

પેટ્રોલ-ડિઝલના ભાવવધારાની અસર
ગત વર્ષની સરખામણીએ આ વર્ષ પૂજાપા અને શણગારના ભાવોમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. કેમે કે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે.આ વર્ષે પણ લોકો તેટલી જ ખરીદી કરી રહ્યા છે. - અમીતભાઇ શાહ, પૂજાપા, માતાજીના શણગારની વસ્તુના વેપારી

અન્ય સમાચારો પણ છે...