ખરીદીનો ધમધમાટ શરૂ:ઝાલાવાડમાં ધનતેરસે 9 કરોડના સોના અને ચાંદીની ખરીદી થઈ, વાહન ખરીદીમાં મંદી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર સોની બજારમાં દિવાળીની ખરીદીની ભીડ. - Divya Bhaskar
સુરેન્દ્રનગર સોની બજારમાં દિવાળીની ખરીદીની ભીડ.
  • 70 ટકા ચાંદી, 30 ટકા સોનાની ખરીદી, ટૂ વ્હીલરના ભાવમાં 10થી 12 હજારનો વધારો

ઝાલાવાડમાં ધનતેરસના દિવસે ખાસ કરીને સોના કરતા ચાંદીની ખરીદી કરવાનું વિશેષ મહત્વ હોય છે. અને આથી જ ધનતેરસના દિવસે અંદાજે રૂ.9 કરોડથી વધુ સોના ચાંદીની ખરીદી કરવામાં આવે તેમાં 70 ટકા ચાંદી અને 30 ટકા સોનાની ખરીદી થઇ હતી. જ્યારે વાહન ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો.

જિલ્લામાં દિવાળીનો તહેવાર મનાવવાનો લોકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં હવે ખરીદીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવાનું મહત્વ વિશેષ હોય છે. જ્યારે દિવાળીના દિવસે લોકો ચાંદીની ખરીદી વધુ કરતા હોય છે. દિવાળીના દિવસે જિલ્લામાં અંદાજે રૂ.9 કરોડથી વધુના સોના ચાંદીની ખરીદી કરાઈ હતી. જેમાં 70 ટકા ચાંદી અને 30 ટકા સોનાની ખરીદી થઇ હતી. દિવાળીના દિવસે પણ સારી ઘરાકી રહેતા સોની બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

જ્યારે બીજી બાજુ બાઇક સહિતના નવા વાહનોની ખરીદીનું બજાર મંદીમાં રહ્યું હતું. કારણ કે એક તરફ પેટ્રોલના ભાવ આસમાને આંબી ગયા છે. અને બીજી બાજુ બાઇકના ભાવમાં પણ રૂ.10 થી 12 હજારનો વધારો થયો છે. આથી લોકોને વર્તમાન સમયે બાઇકની ખરીદી કરવી તે તો મોંઘી પડી જ રહી છે તેની સાથે સાથે નવું બાઇક લીધા બાદ પેટ્રોલના ભાવને લઇને તેને ચલાવવું પણ મોંઘુ પડી રહ્યું છે.

આ ઉપરાંત સોનાની ખરીદી કર્યા બાદ તેના ભાવ ઉતરવાનો ભય રહેતો નથી. જયારે કોઇ પણ કંપનીનું નવું બાઇક લો તો શો રૂમની બહાર કાઢયા બાદ તેની કિંમત ઘટી જતી હોય છે. કોરોનાના કપરા સમય બાદ બાકીના વ્યવસાયો ફરીથી ધમધમતા થયા છે. ત્યારે ખર્ચમાં કાપ મુકવા માટે લોકો વાહનોની ખરીદી ઓછી કરી રહ્યા છે જે નરી વાસ્તવિકતા છે.

અન્ય સમાચારો પણ છે...