લમ્પી વાઈરસનો કહેર:ઝાલાવાડમાં લમ્પીથી સંક્રમિત એક હજાર પશુ પૈકી 62ના મોત, 58 હજાર પશુઓને રસી અપાઇ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાલાવાડનાં આઠ તાલુકાના પશુમાં આ લમ્પી વાઈરસનું સંક્રમણ જોવા

રાજ્યના વિવિધ જિલ્લાની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લમ્પી વાઈરસનો કહેર વર્તાઇ રહ્યો છે. ઝાલાવાડનાં આઠ તાલુકાના પશુમાં આ લમ્પી વાઈરસનું સંક્રમણ જોવા મળ્યુ છે. ત્યારે બીજી તરફ પશુપાલન વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે સંક્રમણ અટકાવવા રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 58,739 પશુને રસીકરણ કરવામાં આવ્યું છે.

હાલમાં જિલ્લાનાં દસમાંથી આઠ તાલુકાનાં પશુઓમાં આ રોગે દેખા દીધી
આ અંગે જાણવા મળતી વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પશુઓમાં લમ્પી વાઈરસ દેખાયા બાદ મુળી, ચોટીલા, સાયલા સહિતના તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આ વાયરસ પ્રસર્યો હતો. હાલમાં જિલ્લાનાં દસમાંથી આઠ તાલુકાનાં પશુઓમાં આ રોગે દેખા દીધી છે.

અત્યાર સુધીમાં 58,739 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું
પાટડી અને લીંબડી તાલુકામાં અપવાદરૂપ કેસ જોવા મળ્યા હતા. જેમાં સારવાર કરવામાં આવી હતી. બાકીના આઠ તાલુકામાં જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા સારવાર, સર્વે અને રસીકરણની સધન કામગીરી ચાલી રહી છે. પશુપાલન વિભાગનાં ડેપ્યુટી ડાયરેક્ટર ડો.પી.ટી.કણઝરીયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યાર સુધીમાં 58,739 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. 1004 પશુની સારવાર કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમા 62 પશુના મૃત્યુ થયા છે. પશુઓમાં લમ્પી જેવા લક્ષણો દેખાય તો તુરંત જ નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુ પાલકોને અપીલ કરવામાં આવી છે.

તંત્ર પાસે હાલના તબક્કે રસીના 90 હજાર ડોઝ ઉપલબ્ધ : પશુપાલ અધિકારી
સુરેન્દ્રનગર જિલ્લાનાં લમ્પી વાઈરસથી અસરગ્રસ્ત વિસ્તારોમાં હાલ પશુઓના રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 58 હજારથી વધુ પશુઓનું રસીકરણ થઈ ચુક્યું છે તેમ પશુપાલન શાખાના ડેપ્યુટી ડાયરેક્ટર ડો.પી.ટી.કણઝરીયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ તંત્ર પાસે 43 હજાર સરકારી અને 47 હજાર સુરસાગર ડેરીના મળીને કુલ 90 હજાર ડોઝ ઉપલબ્ધ છે.

સૌથી વધુ ધાંગધ્રામાં 41 પશુના મોત
જિલ્લામાં અત્યાર સુધીમાં પાંચ તાલુકામાં લમ્પી વાઈરસથી સંક્રમીત 62 પશુના મોત થાય છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકામાંથી સૌથી વધુ 41 પશુના મોત થયા છે. ચોટીલા તાલુકામાં 3, મુળી તાલુકામાં 8, થાનગઢ તાલુકામાં 9 અને સાયલા તાલુકામાં 1 પશુના મોત થયેલ છે. જીલ્લાના 92 જેટલા ગામડાઓ લમ્પી વાયરસની અસર જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...