ઝાપોદડ ગામમાં પીવાના પાણીની છેલ્લા પાંચ દિવસથી સર્જાઇ હોવાની વિગતો બહાર આવી છે. પાણી વગર ગામ લોકોમાં રોષ ફેલાયો હતો. અને હાલ ગ્રામજનો સાથે પશુઓને પણ પાણી માટે રઝળપાટ કરવો પડતો હોવાની રાવ ઉઠી હતી. આથી મેમકા પાણીની ટાંકીમાંથી આ ગામને પુરૂ પડાતા પાણી માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.
વઢવાણ તાલુકાના છેવાડા ગામોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ તાલુકાના ઝાપોદડ ગામની વસ્તી અંદાજે 2200 જેટલી છે. આ ગામમાં ખેતી સહિતની ગામલોકો મજુરી કરીને પરિવારોનું ગુજરાન ચલાવી રહ્યા છે. બીજી તરફ પાણીના સ્ત્રોતની વાત કરીએ તો મેમકા પાણીની ટાંકીમાંથી આ ગામને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી આ ગામમાં પાણી નહી આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.
આ અંગે ગામના પૂર્વ સરપંચ પ્રવિણભાઈ અમરાભાઈ પરમાર તેમજ લાલજીભાઈ અમરાભાઈ, ચંપાબેન, સવિતાબેન, રામસંગ જી.દેલવાડીયા, નવઘણભાઈ વગેરે જણાવ્યું કે, પાંચ દિવસથી પીવાનું પાણી ગામમાં આવતુ નથી. આ બાબતે જવાબદાર તંત્રને પણ રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી.
પાણી આવવાની લાઇનમાં ડાટો લાગી ગયો હોય તો તેનો પણ નિકાલ કરીને ગામમાં પાણી આવે તેવી કામગીરી તો કરવી જોઇને. ગામમાં લગ્નપ્રસંગ કે કોઇના મોત પાછળનો પ્રસંગ હોય તો લોકો પીવાના પાણી માટે શુ કરે ? પાણી ન આવતા ગામની મહિલાઓને ન છૂટકે ગામના તળાવના પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત કેનાલની પાણી જે તળાવમાં આવે છે પાણી ખાડીઓમાં વહી જાય છે. આથી પશુઓને પણ અવાડામાં પાણી ન હોવાથી ખાડીઓમાંથી પાણી પીવાનો વારો આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.