હળવદના ઘણાંદ ગામે ગત રવિવારે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવાનની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોતાની સગી બહેન સાથે યુવાનને પ્રેમસબંધ હોવાથી યુવકના કૌટુંબિક મામાના દીકરાએ તેના મિત્ર સાથે મળી આ યુવાનનું કાસળ કાઢી નાખ્યું હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે હત્યા કરનારા કૌટુંબિક મામાના દીકરાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપી પણ પોલીસના હાથે પકડાયો છે.
હળવદના ઘણાંદ ગામે રહેતા રાજુભાઇ નાગરભાઇ ઝીંઝરીયા (ઉવ. 24) નામના યુવાનની ગત શનિવારની રાત્રિએ અજાણ્યા શખ્સોએ તેની વાડીએ મોતને ઘાટ ઉતારી હત્યા કરી નાખી હતી. યુવાનની હત્યાના બનાવની જાણ થતાં હળવદ પોલીસે મૃતકના નજીકના પરિચિતોની ઉલટ તપાસ કરતાં આ યુવાનની બીજા કોઈએ નહિ પણ તેના જ કૌટુંબિક મામાના દીકરાએ હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.
આથી આ બનાવ અંગે મૃતકના ભાઈ સુનીલભાઇ નાગરભાઇ ઝીંઝરીયાએ આરોપી હિરા ઉર્ફે ભાનુ ભરતભાઇ કોળી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના મૃતક ભાઇ રાજુભાઇ નાગરભાઇને તેના કૌટુંબિક મામા ભરતભાઇ કોળીની દીકરી સાથે પ્રેમ સંબધ હતો. જેનુ મનદુખ રાખી આરોપીએ અન્ય સાથે આવી મૃતક પોતાની વાડીએ સુતો હતો, ત્યાં આવી હથિયારો વડે માથામાં મારી જીવલેણ ઇજાઓ કરી હત્યા કરી નાખી હતી.
હાલમાં હળવદ પીએસઆઇ ટાપરીયા, બિપીનભાઈ પરમાર, દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, ભરતભાઇ આલ સહિતની ટીમે આરોપી હિરા ઉર્ફે ભાનુ ભરતભાઇ કોળીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરતાં આ બનાવમાં વધુ એક આરોપી નિલેશ નાગજીભાઈ કોપેણીયાનું નામ ખૂલ્યું હતું. જેથી પોલીસે તેને પણ ઝડપી લીધો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. વધુમાં હત્યા કરવામાં વપરાયેલી સ્ટીલની પાઇપને પણ પોલીસે કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.