સપાટો:હળવદમાં ખાણખનીજ વિભાગે 11 ડમ્પર પકડ્યા, અંદાજિત રૂ. 1.50 કરોડના વાહનો કબ્જે કરાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં ખાણખનીજ વિભાગે 11 ડમ્પર પકડ્યા, અંદાજિત રૂ. 1.50 કરોડના વાહનો કબ્જે કરાયા - Divya Bhaskar
હળવદમાં ખાણખનીજ વિભાગે 11 ડમ્પર પકડ્યા, અંદાજિત રૂ. 1.50 કરોડના વાહનો કબ્જે કરાયા
  • મફતમાં રેતીચોરીનું દુઃસાહસ કરનાર 11 ડમ્પર ખાણખનીજ વિભાગે હાઇવે ઉપરથી પકડી પાડ્યા
  • ખાણખનીજ વિભાગની કામગીરીને લઇ ખનીજ-રેતમાફિયાઓ મૂંઝવણમાં મૂકાયા

ભ્રષ્ટ ખાણખનીજ વિભાગની લોકભાગીદારી યોજનામાં હળવદ પંથકમાં ઘુડખર અભ્યારણ્યને કારણે પ્રતિબંધિત વિસ્તારોમાં દર મહિને બેરોક્ટોકપણે કરોડો રૂપિયાની રેતીની ખનીજચોરી કરવામાં આવી રહી છે. ત્યારે આ ભાગીદારીના ધંધામાં ભંગાણ પડ્યું હોય તેમ છેલ્લા બે દિવસમાં હપ્તા ચાલુ હોય તેવા ડમ્પરોને અલગ તારવી બે મહિનાથી હપ્તા નહીં પહોંચાડનાર અને મફતમાં રેતીચોરીનું દુઃસાહસ કરનાર 11 ડમ્પર ખાણખનીજ વિભાગે હાઇવે ઉપરથી પકડી પાડી હળવદ પોલીસ મથકે જમા કરાવી દેતા ખનીજ-રેતમાફિયાઓ મૂંઝવણમાં મૂકાયા છે.

હળવદ પંથકમાં ટીકર રણ અને ખાસ કરીને હળવદની બ્રાહ્મણી નદીમાં રેતી રૂપી હિરા માણેકનો અખૂટ ખજાનો ધરબાયેલો છે પરંતુ આ વિસ્તાર ઘુડખર અભ્યારણ્યને કારણે ખનીજ ઉત્ખનન માટે પ્રતિબંધિત હોવાથી ખાણખનીજ વિભાગ કાયદેસર રીતે અહીંથી રેતીની લીઝ આપી શકતું નથી પરિણામ સ્વરૂપ ખાણખનીજ વિભાગે અહીં ગેરકાયદેસર રીતે લોકભાગીદારી કરી ખનીજ માફિયાઓને ઉતેજન આપવા નિયત હપ્તા અને કેટલાક કિસ્સામાં ભાગીદારી કરી લઈ રેતી ચોરવા પીળો પરવાનો આપી દેતા અહીં દિવસ રાત કાળમુખા ડમ્પરો અને આઇવા જેવા રાક્ષસી ટ્રક ધરતીને ફાડી રેતી ચોરી કરી રહ્યા છે.

બીજી તરફ રેતમાફિયાઓમાં મોટાભાગના લોકો ગેરકાનૂની ધંધામાં પ્રામાણિકતા રાખી નિયમિત હપ્તા અથવા તો ભાગ ખાણખનીજ અને પોલીસ ઉપરાંત આરટીઓને પણ પહોંચાડી રહ્યા છે પરંતુ છેલ્લા બે મહિનાથી કેટલાક રેતીચોરોએ હપ્તા આપવાનું બંધ કરવાની સાથે કેટલાકે તો મફતમાં ગાડીઓ હાંકવાનું ચાલુ રાખતા એસી ઓફિસમાં બેઠા રહેતા વહીવટી કર્મચારીઓ હરકતમાં આવ્યા છે અને છેલ્લા બે દિવસથી હપ્તા ન ચુકવતા હોય તેવા આઇવા અને ડમ્પરને હાઇવે ઉપરથી પકડી હળવદ પોલીસ મથકે જમા કરાવી રહ્યા છે જેમાં છેલ્લા બે દિવસ દરમિયાન કુલ 11 વાહનો પકડાયા છે. જેની કિંમત દોઢેક કરોડ થવા જાય છે. જોકે, નવાઈની વાત એ છે કે, એક પણ વાહન ચાલક પકડાયો નથી કે પછી પકડવામાં નથી આવ્યો તે પણ મોટો સવાલ છે.

ચોંકાવનારી બાબત તો એ છે કે, બે દિવસથી ખાણખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં આજે પણ બ્રાહ્મણી નદીમાંથી હોડકા અને હિટાચી મારફતે ખુલ્લેઆમ ખનીજ ચોરી થઈ રહી છે. ત્યારે ખાણખનિજ વિભાગે કરેલી આ કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ખડા થયા છે અને હવે ખાણખનીજ વિભાગની ભાગીદારીથી ચાલતા રેતીચોરી રેકેટને બંધ કરાવવા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા હાઇકોર્ટમાં પીઆઈએલ કરી જૂનાગઢની જેમ ખનીજચોરી બંધ કરાવવા તૈયારીઓ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...