માસૂમ ઉપર દુષ્કર્મ:હળવદમાં નરાધમે 11 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી, પોલીસે વેશ પલટો કરી આરોપીને મધ્યપ્રદેશથી દબોચ્યો

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદમાં નરાધમે 11 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી - Divya Bhaskar
હળવદમાં નરાધમે 11 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી
  • પોલીસ વેશ પલટો કરી ડુંગળીના વેપારી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી આરોપી સુધી પહોંચી
  • હળવદ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલ દુષ્કર્મના ગુનાનો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ હળવદ તાલુકાના એક ગામની સીમમાં નરાધમ શખ્સે માસુમ કુમળી વયની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. જો કે, હળવદ પોલીસે આ જઘન્ય કેસમાં ટેકનિકલ સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપીને વેશપલટો કરી દબોચી લઈ પ્રસંશનીય કામગીરી કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં તા. 7ના રોજ ભોગ બનનાર બાળકીના પરિવારજનો દ્વારા ચોંકાવનારી ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં જાહેર કરાયું હતું કે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન ખીમલા ભાભોર, ઉ.28 રહે ગામ-બકીયા તા. પેટલાવદ જી. જામ્બુવા મધ્યપ્રદેશ વાળાએ તેમની આશરે 11 વર્ષની દીકરીને બળજબરીપુર્વક તાલુકાના એક ગામની સીમમાં વાડીની ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ હતું. ઉપરાંત તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી બાળકી ગભરાઈ ગઈ હતી. પરંતુ પરિવારજનોએ બાળકીની સ્થિતિ જોતા પરિસ્થિતિ પામી જઈ તાકીદે પોલીસ મથકે જાણ કરી હતી.

દરમિયાન આ ગંભીર બનાવના અનુસંધાને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ સત્વરે આરોપીને શોધી કાઢવા સુચના આપી હતી. જેમાં મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ હળવદ પીઆઇ કે.જે.માથુકીયાએ હળવદ પોલીસ સ્ટાફની એક સ્પેશીયલ ટીમ બનાવી હતી. આરોપીને પકડી પાડવા ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સને આધારે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન મધ્યપ્રદેશ હોવાની માહિતી મળતાં એક ટીમ તાત્કાલિક મધ્યપ્રદેશ રવાના કરી આરોપી જીતેન્દ્ર ઉફે જીતેનને ગણતરીના કલાકમાં મધ્યપ્રદેશ ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના અજાણ્યા વિસ્તારમાં આરોપીને પકડવો મુશ્કેલ હોય આ કેસમાં આરોપીને ઝડપી લેવા પોલીસ વેશ પલટો કરી ડુંગળીના વેપારી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન સુધી પહોંચી હતી. બાદમાં આરોપીને ઝડપી લઈ હાલ હળવદ ખાતે લાવવામાં આવ્યો છે. આ કેસમાં હળવદ પોલીસે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન વિરૂદ્ધ આઇ.પી.સી કલમ 376(એ)(બી), 506(2) તથા પોકસો કલમ 3(એ).4.5(એમ), 6 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...