બડો બડાઈ નાં કરે... બડા ન બોલે બોલ, હિરા મુખ સે કભી ના કહે લાખો હમારા મોલ... ઉપરોક્ત પંક્તિઓ હળવદ તાલુકાના પારકી છઠ્ઠીના જાગતલ રામભાઈ ભરવાડ માટે યથાર્થ બંધ બેસી રહી છે, સેવાકાર્ય માટે સતત દોડતા રહેતા રામભાઈએ માતાપિતાની છત્રછાયા ગુમાવનારી બે દીકરી અને એક દીકરાના માતા-પિતા બની હરખભેર લગ્નપ્રસંગને ચારચંદ લાગવી શોભાવતા ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે.
હળવદ તાલુકાના રાતાભેર ગામના જીવાભાઇ તેજાભાઇ કોળી ખેતી કામ અને મજુરી કરીને પોતાનું પેટિયું રળી ખાતા હતા અને પરીવારમાં પોતાની બે દિકરીઓ અને એક દીકરો અને તે પણ સાવ નાની ઉંમરના હતા. ત્યારે જ ત્રણેય ઉપરથી મા બાપની છત્રછાયા છીનવાઈ ગઈ. કરુણતા તો ત્યારે સર્જાઈ જ્યારે ત્રણેયના લગ્ન લેવાયા, એક તરફ પરીવારનો આધારસ્તમ્ભ કહેવાય તેવા માણસ જ ન હોય તે સમયે આવા પરિવારની સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ બને છે. જો કે આ વાત રાતાભેર ગામના ભામાશા તરીકે ઓળખાતા રામભાઇ ભરવાડના કાને પડી.
સેવાભાવી રામભાઇ ભરવાડે પળના પણ વિલંબ વગર આ ત્રણેય ભાંડેળાના લગ્ન કરાવી દેવાની જવાબદારી પોતાના શિર ઉપર લીધી અને આખાય રાતાભેર ગામમાં ઘરદીઠ એક - એક વ્યક્તિને જમવાનું આમંત્રણ આપી રાત્રે ભવ્ય દાંડીયા રાસનુ ભવ્ય આયોજન કરી માતાપિતા વિહોણા દીકરા-દીકરીને જરાપણ ઓછું ન આવે તેવું ઝાકમઝોળ લગ્નનું આયોજન કર્યું હતું. મહત્વનું છે કે, આ લગ્નપ્રસંગે ચાંદલાની રકમ આવી એમા પોતાના રૂપિયા ઉમેરી બન્ને દીકરીઓને 51-51 હજાર રૂપિયાની સાથે આખુ આણુ પણ રામભાઇએ કરી આપ્યું હતું. રામભાઈનું આ સરાહનીય કાર્ય જોઈ ચોતરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.